ધસમસતા જળપ્રવાહના વહેણમાં તણાયેલા બે યુવાનના મૃતદેહ મળ્યા

Reena Brahmbhatt
3 Min Read

ભુજ / કોડાય (તા. માંડવી), તા. 28 : ભારે વરસાદનાં પગલે ધસમસતા જળપ્રવાહમાં ફરાદી-રામાણિયા પાપડીમાં થાર જીપ સાથે ભુજના ક્ષત્રિય યુવાન ભૂપેન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડ (ઉ.વ. 49) સોમવારે સાંજે તણાયા હતા. આ કરુણ દુર્ઘટનામાં 38 કલાકની ભારે શોધખોળ બાદ ઘટનાસ્થળથી અંદાજે બે કિ.મી. દૂર ફરાદીના કુંડાણા ચેકડેમ પાસે તેમનો મૃતદેહ મળ્યો હતો. બીજીતરફ વડવા કાંયાની નદીમાં પાણીના પ્રવાહમાં તણાઇ ગયેલા પરપ્રાંતીય ખેતમજૂર યુવાન કનુભાઇ નાયકનોય મૃતદેહ આજે બપોરે મળ્યો હતો. સોમવારે સાંજે ફરાદી-રામાણિયા પાપડીમાં ધસમસતા જળપ્રવાહમાં થાર જીપ સાથે ભૂપેન્દ્રસિંહ પણ તણાઇ ગયા હતા. તેની શોધખોળ માટે વહીવટી તંત્રે દોડધામ આદરી હતી અને આ કામગીરીમાં એનડીઆરએફ અને મરીન કમાન્ડોની ટીમ તથા ક્ષત્રિય સમાજના યુવાન આગેવાનો ઉપરાંત કોડાય પોલીસ જોતરાઇ હતી. બોટ્સ તેમજ?ટ્રેકટર-લોડર કામે લગાવાયા હતા.

rain land slide flood 1

- Advertisement -

ફરાદીના કુંડાણા ચેકડેમ પાસેથી આજે સવારે ભૂપેન્દ્રસિંહનો મૃતદેહ મળ્યો હતો. દેહને પ્રથમ પી.એમ. અર્થે માંડવી સરકારી હોસ્પિટલ લઇ?જવાયો હતો જ્યાં ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ પહોંચી પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્રણ દિવસથી ચાલતી આ શોધખોળની કામગીરી માટે નવીન મહેશ્વરી, મનુભા ચાવડા, વીરેન્દ્રસિંહ જાડેજા, ઇકબાલ ચૌહાણ સહિતે ટ્રેકટર-લોડર કામે લગાડયાં હતાં. રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા (કોજાચોરા), હેતુભા જાડેજા, વિશાલ ઠક્કર, અરવિંદસિંહ જાડેજા (ફરાદી), મૂળરાજ ગઢવી, કિશોરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ આગેવાનો ઘટનાસ્થળે પહોંચી મદદરૂપ બન્યા હતા.

બીજીતરફ ભૂપેન્દ્રસિંહની અંતિમયાત્રામાં ક્ષત્રિય સમાજ ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો જોડાઇ પરિજનોને સાંત્વના પાઠવી હતી. દરમ્યાન, તેમના મૂળ ગામ વડવા કાંયા પંથકમાં પણ આ બનાવને લઇ ગમગીની છવાઇ હતી. – વડવા કાંયા નજીક ડૂબેલા બીજા યુવાનનો પણ મૃતદેહ મળ્યો : ગઢશીશા પંથકના વડવા કાંયા નજીક નદીના પ્રવાહમાં બે પરપ્રાંતીય ખેતમજૂર યુવાનો ડૂબ્યા હતા જેમાંના પરમારભાઇ ઠાકોરનો મૃતદેહ ગઇકાલે જ મળ્યો હતો જ્યારે બીજા યુવાન કનુભાઇ નાયકની શોધખોળ ચાલુ હતી જેમાં બુધવાર બપોરે ત્રણ વાગ્યાના અરસામાં કનુભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભારે શોધખોળ બાદ એનડીઆરએફની ટીમને પણ બોલાવવા જાણ કરાઇ હતી પરંતુ ટીમ આવે તે પહેલાં જ આ મૃતદેહ નદીમાંથી જ મળી આવ્યો હતો જેની પોસ્ટમોર્ટમ સહિતની વિધિમાં નખત્રાણા પી.આઇ. એ. એમ. મકવાણા, પી.એસ.આઇ. આર. ડી. બેગડિયા, વિજય રાવલ તથા મીત પટેલ જોડાયા હતા. આ બનાવને પગલે ગઢશીશા પંથકમાં અરેરાટી વ્યાપી છે.

- Advertisement -
Share This Article