Vadodara Accident Update: રક્ષિતને વડોદરા પોલીસે મહિના પહેલા પણ ઝડપી લીધો હતો, ‘અનધર રાઉન્ડ’ મામલે થયો મોટો ખુલાસો

Arati Parmar
3 Min Read

Vadodara Accident Update: દેશભરમાં જ્યારે લોકો હોળીના પર્વની ઉજવણી કરી રહ્યા હતાં, ત્યારે વડોદરામાં એક નબીરા રક્ષિત ચોરસિયાએ નશાની હાલતમાં આઠ લોકોને અડફેટે લેતા રાજ્યભરમાં ચકચારી મચી ગઈ હતી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો. જેમાં યુવક અકસ્માત બાદ બહાર આવીને ઓમ નમઃ શિવાય અને અનધર રાઉન્ડ તેમજ એક મહિલાના નામની બૂમો પાડતો હતો. ત્યારે અનેક લોકોમાં ‘અનધર રાઉન્ડ’ શબ્દને લઈને ચર્ચા થઈ રહી હતી કે, અકસ્માત બાદ આવી બૂમો કેમ પાડતો હતો? ત્યારે હવે આ વાતનો ખુલાસો થયો છે.

શું છે ‘અનધર રાઉન્ડ’?

- Advertisement -

હકીકતમાં ‘અનધર રાઉન્ડ’ એક 2020માં રીલીઝ હોલિવૂડ ફિલ્મ છે. જેને બેસ્ટ ફોરેન લેંગ્વેજનો ઓસ્કર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ ચાર મિત્રોની કહાણી છે. જેમાં ચારેય મિત્રો સર્જનાત્મક અને આત્મવિશ્વાસ વધારવા તેમના લોહીમાં સતત આલ્કોહોલનું સ્તર જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. આ ચારેય મિત્રો મનોચિકિત્સક ફિન સ્કોર્ડેરુડના કાર્યથી પ્રેરિત એક સિદ્ધાંત પર પ્રયોગ કરે છે, કે માનવજાત 0.05% બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટ (BAC)ની ઊણપ સાથે જન્મે છે અને 0.05% BAC જાળવવાથી વ્યક્તિ વધુ સર્જનાત્મક અને શાંત બને છે. રક્ષિત પર આ ફિલ્મની અસર હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેમના રૂમમાં પણ અનધર રાઉન્ડનું પોસ્ટર લગાવેલું હતું.નોંધનીય છે કે, આ ફિલ્મમાં આલ્કોહોલના સેવન અને એક પ્રયોગની વાત હતી. આ ફિલ્મમાં કોઈ અકસ્માત સર્જીને કોઈનું મોત નથી નિપજાવતાં.

એક મહિના પહેલાં પણ પોલીસે પકડ્યો હતો

વડોદરામાં અકસ્માત બાદથી ચર્ચામાં આવેલાં રક્ષિતને એક મહિના પહેલાં પણ પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું. લગભગ એકાદ મહિના પહેલાં રક્ષિત ફતેહગંજ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો હતો. આ દરમિયાન તેઓ ખૂબ દેકારો કરી રહ્યા હતાં, જેનાથી કંટાળીને એક વકીલે તેમને શાંતિ રાખવા કહ્યું હતું. વકીલની આ અપીલથી રક્ષિત અને તેના મિત્રોને ગુસ્સો આવી જતાં વકીલ સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યાં. બાદમાં વકીલે આ વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર મામલે રક્ષિત અને તેમના મિત્રોને પોલીસ સ્ટેશન બોલાવી માફીનામું લખાવ્યું હતું અને ફરી આવી હરકત નહીં કરવાની શરતે તેમની છોડી મૂક્યા હતાં.

શું હતી સમગ્ર ઘટના?

હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પુરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત માતા અને બે બાળકોને સયાજી હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાના રિમાન્ડ મેળવ્યા છે.

અકસ્માતમાં ઈજા પામેલા અને મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદી

  • હેમાલીબેન પુરવભાઈ પટેલ, ઉંમર- 36 વર્ષ (મૃતક)
  • પુરવ દીપકભાઈ પટેલ, ઉંમર- 37 વર્ષ
  • કોમલબેન અજીતભાઈ કેવલાણી, ઉંમર- 24 વર્ષ
  • જયેશભાઈ અનિલભાઈ કેવલાણી, ઉંમર- 18 વર્ષ
  • વિકાસભાઈ અજીતભાઈ કેવલાણી, ઉંમર- 22 વર્ષ
  • નિશાબેન આશિષભાઈ શાહ, ઉંમર- 35 વર્ષ
  • જૈનીલ આશિષભાઈ શાહ, ઉંમર- 8 વર્ષ
  • રેન્સી આશિષભાઈ શાહ, ઉંમર- 9 વર્ષ
Share This Article