Vadodara GSEC: ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પરની ભરતી માટેની પરીક્ષા લેવાની જાહેરાત જૂન, 2022માં કરવામાં આવી હતી. એ પછી હજી પરીક્ષા લેવામાં નહીં આવતા ઉમેદવારોએ વડોદરા સ્થિત જીસેકની હેડ ઓફિસમાં રજૂઆત કરી છે.
ઉમેદવારોએ આવેદનપત્ર આપીને કહ્યું હતું કે, જીસેકમાં છેલ્લે 2005માં હેલ્પરોની ભરતી કરવામાં આવી હતી. એ પછી 2022માં 800 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા લેવાની જાહેરાત થઈ હતી. પરીક્ષા માટે 5500 ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હતા અને તેની ચકાસણીની કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ હતી. એ પછી જેટકોએ પરીક્ષા લેવાનું માડી વાળ્યું હતું. અમે આ બાબતે ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ પણ પરીક્ષા લેવા માટે લીલી ઝંડી આપી હતી.
ઉમેદવારોનું કહેવું છે કે, એ પછી પણ જીસેકના સત્તાધીશો પરીક્ષા લેવા માટે તૈયાર નથી. કારણકે જીસેકમાં હેલ્પરોની જગ્યાઓ પર આઉટસોર્સિંગના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. અન્ય સરકારી વીજ કંપનીઓની જેમ જીસેકમાં હેલ્પર તરીકે ભરતી માટે પરીક્ષા આપવા એપ્રેન્ટિસશિપ કરેલી જરુરી છે. પરીક્ષા નહીં લેવાતી હોવાથી એપ્રેન્ટિસશિપ કરનારા હજારો ઉમેદવારો રઝળી પડયા છે. કેટલાક તો સરકારી નોકરી મેળવવાની મહત્તમ વયમર્યાદા પણ વટાવી ગયા છે. જો સત્તાધીશો પરીક્ષા લેવાની જાહેરાત નહીં કરે તો અમે તા.3 માર્ચના રોજ જીસેકની હેડ ઓફિસ બહાર ધરણા કરીશું.
ઉમેદવારોએ કહ્યું હતું કે, અમે આવેદનપત્ર આપવા માટે ગયા ત્યારે જીસેકના અધિકારીઓએ અમારી રજૂઆત સાંભળવા માટે અમને મળવાનો પણ ઈનકાર કરી દીધો હતો. સિક્યુરિટીએ અમને અંદર જવા દીધા નહોતા.

