ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યક્રમમાં રૂપાલા બાબતે થયો વિરોધ, કાળા ઝંડા બતાવ્યા
દ્વારકા, 6 એપ્રિલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શનિવારે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રીદ્વારકેશ કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, સાંસદ પૂનમ માડમ અને અન્ય આગેવાનોની હાજરીમાં ક્ષત્રિય સમાજના કાર્યકરો અચાનક આવી પહોંચ્યા હતા અને રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો.
ખંભાળિયામાં ભાજપના શહેર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષે શ્રીદ્વારકેશ કમલમનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાર બાદ તેઓ ઉપરના માળે આવેલી ઓફિસનું નિરીક્ષણ કરવા ગયા. આ દરમિયાન ક્ષત્રિય સમાજના કાર્યકરો કાળા ઝંડા સાથે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજના સેંકડો લોકોએ હોબાળો મચાવ્યો હતો.
ઘટના સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ સહિત એલસીબી, એસઓજી અને પોલીસ કર્મચારીઓએ પરિસ્થિતિને ધ્યાને લઈ વિરોધ કરી રહેલા લોકોને સ્થળ પરથી હટાવ્યા હતા. આ પછી સ્થિતિ કાબૂમાં આવી હતી. બાદમાં વાતાવરણ શાંત થતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવનિર્મિત કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, મંત્રી મુલુભાઈ બેરા, કુંવરજી બાવળિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફાલદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
