By: Narsimha komar
Vadodara Heritage DJ Ban: દેશભરમાં જ્યારે ડીજેનો શોરબકોર વધી રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાએ પોતાની ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે સમગ્ર દેશમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા જૂના શહેરના ચાર દરવાજા વિસ્તારને ‘નો ડીજે ઝોન’ જાહેર કર્યા બાદ, વડોદરા શહેર પોલીસે આ પડકારજનક નિર્ણયને અત્યંત કુનેહપૂર્વક અમલી બનાવી દીધો છે.
વિરાસત પ્રત્યે જાગૃતિ અને કમ્યુનિટી મોબિલાઇઝેશન
આ આખા અભિયાનની કમાન ૧૯૯૬ બેચના આઈપીએસ અધિકારી અને પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પોતે સંભાળી હતી. તેમણે ડંડાના જોરે કાયદો લાદવાને બદલે લોકો સાથે સંવાદ સાધ્યો:
સોફ્ટ એપ્રોચ: પોલીસે તમામ ધર્મના આગેવાનો અને આયોજકો સાથે બેઠકો કરી તેમને સમજાવ્યું કે ડીજેના ભારે વાઈબ્રેશનથી જૂની ઇમારતોને નુકસાન થઈ શકે છે.
પોતાપણું: “આ શહેર તમારું છે અને આ વિરાસત પણ તમારી છે” – પોલીસના આ સૂત્રએ લોકોના દિલ જીતી લીધા અને આયોજકો સ્વૈચ્છિક રીતે ડીજેનો ત્યાગ કરવા સંમત થયા.
પરિણામ: મુસ્લિમ બિરાદરોના તહેવારો હોય કે હિન્દુ ધર્મના પવિત્ર ઉત્સવો, તમામ સ્તરે ડીજે મુક્ત વાતાવરણનો સ્વીકાર થયો છે.
ઐતિહાસિક ચાર દરવાજા અને સાંસ્કૃતિક ઓળખ
ગાયકવાડ રિયાસતનું કેન્દ્ર રહેલા વડોદરામાં માંડવી, લહેરીપુરા, ચાંપાનેર અને પાણી ગેટ જેવા ભવ્ય સ્થાપત્યો આવેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસની સાથે વિરાસત’ ના વિઝનને અનુરૂપ પોલીસે આ સ્થાપત્યોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. નોંધનીય છે કે આ પ્રતિબંધ માત્ર હેરિટેજ ધરાવતા જૂના શહેર પૂરતો મર્યાદિત છે, જ્યારે નવા વડોદરામાં નિયમો સાથે ડીજેના ઉપયોગની છૂટ છે.
મહાશિવરાત્રિએ સર્જાયો ઇતિહાસ
આ પહેલની સૌથી મોટી સફળતા મહાશિવરાત્રિએ નીકળેલી ‘શિવજીની સવારી’માં જોવા મળી હતી. આ ભવ્ય યાત્રામાં ડીજેના ઘોંઘાટને બદલે પરંપરાગત બેન્ડની મધુર ધૂન અને શિવ-આરાધનાના નાદ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ હાજરી આપી સૂર સાગર ખાતે મહાઆરતી કરી હતી. હેરિટેજ ટ્રસ્ટના અધ્યક્ષ સમીર ખેડા સહિતના નાગરિકોએ વડોદરા પોલીસના આ પગલાને વધાવ્યું છે, જેણે આધુનિકતા અને પરંપરા વચ્ચે સમતુલન જાળવી બતાવ્યું છે.

