Ashwagandha FSSAI Rules: હવે દવાઓમાં ઉપયોગ નહીં થાય અશ્વગંધાના પાન, જાણો FSSAIએ આના પર કેમ લગાવ્યો પ્રતિબંધ?

Arati Parmar
3 Min Read
Ashwagandha FSSAI Rules

Ashwagandha FSSAI Rules: અશ્વગંધાને લાંબા સમયથી એક એવા પ્રાકૃતિક ઉપાય તરીકે રજૂ કરવામાં આવે છે, જે તણાવ ઘટાડવાથી લઈને ઊંઘ સુધારવા સુધીની દરેક સમસ્યામાં મદદરૂપ માનવામાં આવે છે. આયુર્વેદની આ પ્રાચીન જડીબુટ્ટી આજના સમયમાં વેલનેસ ઈન્ડસ્ટ્રીનો મોટો હિસ્સો બની ગઈ છે. પરંતુ હવે આ જ અશ્વગંધાને લઈને એક મોટો નિર્ણય સામે આવ્યો છે, જેણે ગ્રાહકો અને સપ્લીમેન્ટ બનાવતી કંપનીઓ બંનેને ચોંકાવી દીધા છે.

શું છે મામલો?

FSSAI અને આયુષ મંત્રાલયે અશ્વગંધાના પાનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે આ સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ એક મર્યાદિત પ્રતિબંધ છે. એટલે કે અશ્વગંધાના આખા છોડ પર નહીં, ફક્ત તેના પાંદડાના ઉપયોગ પર રોક લગાવાઈ છે. બીજી તરફ, તેના મૂળનો ઉપયોગ પહેલાની જેમ જ ચાલુ રહેશે. 16 એપ્રિલે જારી કરાયેલા આદેશમાં FSSAIએ રાજ્યોને કડક દેખરેખ રાખવાની સૂચના આપી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ કંપની અશ્વગંધાના પાન કે તેના એર્કસ્ટ્રેક્ટ (અર્ક) નો ઉપયોગ કરતી જોવા મળશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીઓએ હવે સ્પષ્ટપણે જણાવવું પડશે કે તેમના પ્રોડક્ટમાં છોડના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- Advertisement -

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

ખરેખર, આ નિર્ણય વૈજ્ઞાનિક સંશોધનના આધારે લેવામાં આવ્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે અશ્વગંધાના પાનમાં ‘વિદેનોલાઈડ્સ’ નામના તત્વો વધુ માત્રામાં હોય છે, ખાસ કરીને ‘વિદાફેરિન-એ’, જે શરીર પર ભારે અસર કરી શકે છે. નિષ્ણાતોના મતે, આ તત્વોના વધુ પડતા પ્રમાણથી લિવરને નુકસાન, પેટને લગતી સમસ્યાઓ અને ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) પર પણ અસર પડી શકે છે.

ઝડપથી વધી રહ્યો છે અશ્વગંધાનો ઉપયોગ

આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સરકારે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે અશ્વગંધાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને તે કેપ્સ્યુલ, પાવડર અને ડ્રિંક્સના રૂપમાં બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. બીજી તરફ, અશ્વગંધાના મૂળને સુરક્ષિત માનવામાં આવ્યું છે. આયુર્વેદમાં સદીઓથી આ જ ભાગનો ઉપયોગ થતો આવ્યો છે અને આધુનિક સંશોધન પણ તેને યોગ્ય માત્રામાં લેવા પર સુરક્ષિત ગણાવે છે. તેથી નિયમનકારી સંસ્થાઓએ મૂળ આધારિત ઉત્પાદનોને મંજૂરી આપી છે.

- Advertisement -

શું માને છે એક્સપર્ટ?

નિષ્ણાતો માને છે કે આ નિર્ણય ‘પ્રિકોશનરી એપ્રોચ’ (સાવચેતીના અભિગમ) નો ભાગ છે, એટલે કે જ્યાં સુધી સંપૂર્ણ રીતે સુરક્ષિત સાબિત ન થાય ત્યાં સુધી સંભવિત જોખમ ધરાવતા તત્વોથી અંતર રાખવું વધુ સારું છે. ડાયેટિશિયન કનિકા મલ્હોત્રાએ જણાવ્યું કે અશ્વગંધા શરીરને તણાવ સામે લડવામાં મદદ કરે છે અને ઉર્જા વધારે છે, પરંતુ પરંપરાગત રીતે તેનો ઉપયોગ ફક્ત મૂળના રૂપમાં જ થતો રહ્યો છે. ડાયેટિશિયન ગરિમા ગોયલ કહે છે કે આ પ્રતિબંધ ગ્રાહકો માટે ફાયદાકારક છે, કારણ કે હવે કંપનીઓએ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ કયા ભાગનો ઉપયોગ કરી રહી છે.

Share This Article