આંખમાંથી રક્તસ્ત્રાવ કરાવતા ભયાનક વાયરસ વિશે જાણો

Reena Brahmbhatt
2 Min Read

જીવલેણ વાયરસથી 9 લોકોના મોત, આ બીમારીનો મૃત્યદર 90 ટકા, WHO એ આપી ચેતવણી
WHO એ દુર્લભ વાયરસ માલબર્ગ અંગે ચેતવણી આપી છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. આ વાયરસને આઈ બ્લીડિંગ ડિસીઝ નામથી પણ ઓળખવામાં આવે છે. આ બીમારીમાં શું થાય અને તેના લક્ષણો શું છે ચાલો તમને જણાવીએ.

આફ્રીકી દેશ તાંઝાનિયામાં એક ખતરનાક અને દુર્લભ વાયરસ મારબર્ગનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આ વાયરસના કારણે 9 લોકોના મોત થયા છે. આ વાયરસને આઈ બ્લીડિંગ ડિસીઝ નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વાયરસથી સંક્રમિત વ્યક્તિની આંખમાં લોહી નીકળવા લાગે છે. આ વાયરસમાં મૃત્યુદર 90 ટકા સુધીનો છે. જેને ધ્યાનમાં રાખી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એલર્ટ જાહેર કર્યું છે.

- Advertisement -

મારબર્ગ વાયરસ એક હેમોરૈજિક ફીવર ફેલાવતું ઘાતક સંક્રમણ છે. જે શરીરના અંગો અને નસોને નુકસાન કરે છે. જેના કારણે ઈંટરનલ બ્લીડિંગ થાય છે અને આંખ, કાન, મોંમાંથી લોહી નીકળવા લાગે છે. આ વાયરસ ઈબોલાની જેમ જ અસર કરે છે અને સંક્રમિત વ્યક્તિના શરીરના તરલ પદાર્થના સંપર્કમાં આવવાથી ફેલાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાયરસ ચામાચીડીયાથી ફેલાયો હોય શકે છે.

તાંઝાનિયા તરફથી આ વાયરસ ફેલાયાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ સંક્રમણ કાગેરામાં ઝડપથી ફેલાય રહ્યું છે. અત્યાર સુધીમાં 10 લોકો સંક્રમિત થયા હતા જેમાંથી 9 ના મોત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ આંકડો આવનારા દિવસોમાં વધી શકે છે.

- Advertisement -

મારબર્ગ વાયરસના લક્ષણો

આ વાયરસથી સંક્રમિત વ્યક્તિનો ચહેરો ભૂત જેવો થઈ જાય છે. એટલે કે આંખ અંદર ધસી જાય છે અને ચહેરો ઈમોશનલેસ થઈ જાય છે. શરુઆતી લક્ષણમાં તાવ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, ઉલટી કે ડાયરિયા થાય છે. ત્યારબાદ ઈંટરનલ બ્લીડિંગ શરુ થઈ જાય છે.

- Advertisement -

મારબર્ગ વાયરસનો ઈલાજ

આ વાયરસની કોઈ રસી કે વિશેષ ઈલાજ નથી. ડોક્ટર દર્દીને ફક્ત સંક્રમણ સામે લડવાની શક્તિ મળે તેવી સારવાર કરી શકે છે. નિષ્ણાંતોને એ વાતની ચિંતા છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના માધ્યમથી આ વાયરસ અન્ય દેશ સુધી પણ પહોંચી શકે છે.

Share This Article