Mini Stroke: આજની દોડધામભરી જીવનશૈલીમાં રાતનો સમય પણ પહેલા જેવો રહ્યો નથી. અડધી રાત પછી પણ મોબાઈલની સ્ક્રીન ચમકતી રહે છે, પથારીમાં સૂતા-સૂતા લોકો ઓફિસના ઈમેઈલ ચેક કરે છે અને સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા-કરતા ખબર જ નથી પડતી કે ક્યારે રાત વીતી ગઈ. ખાસ કરીને યુવા પ્રોફેશનલ્સ માટે આ હવે સામાન્ય જીવનશૈલી બની ચૂકી છે. પરંતુ ન્યુરોલોજીસ્ટ ચેતવણી આપી રહ્યા છે કે આ આદત માત્ર થાક જ નહીં, પરંતુ મિની સ્ટ્રોક જેવા ગંભીર ખતરાને પણ વધારી શકે છે.
શું હોય છે મિની સ્ટ્રોક?:
મિની સ્ટ્રોક, જેને મેડિકલ ભાષામાં ટ્રાન્ઝિયન્ટ ઈસ્કેમિક એટેક કહેવામાં આવે છે, ત્યારે થાય છે જ્યારે થોડા સમય માટે મગજના કોઈ ભાગમાં બ્લડ ફ્લો અટકી જાય છે. તેના લક્ષણો થોડી મિનિટોમાં ખતમ થઈ શકે છે, પરંતુ તેને હળવાશથી લેવી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, જે લોકોને ટ્રાન્ઝિયન્ટ ઈસ્કેમિક થાય છે, તેમાંથી લગભગ દરેક ત્રણમાંથી એક વ્યક્તિને આગળ જતાં સ્ટ્રોક આવી શકે છે અને તેમાંથી અડધા કિસ્સા એક વર્ષની અંદર સામે આવે છે.
ઊંઘથી કેમ થાય છે આ તકલીફ?:
ડૉ. ચંદના આર. ગૌડાએ જણાવ્યું કે ઊંઘની કમી ઝડપથી ન્યુરોલોજીકલ અને હૃદય સંબંધિત સમસ્યાઓનું મોટું કારણ બનતી જાય છે. તેમનું કહેવું છે કે સતત ઓછી ઊંઘ લેવાથી શરીરમાં તણાવ વધારતા હોર્મોનનું સ્તર ઊંચું રહે છે, બ્લડ પ્રેશર પ્રભાવિત થાય છે, સોજો વધે છે અને મેટાબોલિઝમ બગડે છે. આ તમામ પરિબળો મળીને મિની સ્ટ્રોક અને બાદમાં સ્ટ્રોકનો ખતરો વધારી શકે છે.
સારી ઊંઘ કેમ છે જરૂરી?:
નિષ્ણાંત મુજબ, સારી ઊંઘ માત્ર શરીરને આરામ આપતી નથી પરંતુ બ્લડ વેસલ્સની મરામત, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. જ્યારે સતત ઊંઘ પૂરી થતી નથી, ત્યારે શરીરની આ જરૂરી સિસ્ટમ પ્રભાવિત થવા લાગે છે. નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઈન્સ્ટિટ્યૂટની રિસર્ચ પણ જણાવી ચૂકી છે કે લાંબા સમય સુધી ઊંઘની કમી હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગોનું જોખમ વધારે છે, જે સ્ટ્રોકના મુખ્ય કારણો માનવામાં આવે છે.
રિવિન્જ બેડટાઈમ પ્રોક્રેસ્ટિનેશન શું હોય છે?:
છેલ્લા કેટલાક વર્ષોમાં એક નવો શબ્દ પણ ચર્ચામાં આવ્યો છે, જેને રિવિન્જ બેડટાઈમ પ્રોક્રેસ્ટિનેશન કહેવામાં આવે છે. તેનો મતલબ છે કામના લાંબા દિવસ પછી પોતાના માટે સમય કાઢવા માટે જાણીજોઈને મોડે સુધી જાગવું, જ્યારે શરીરને આરામની જરૂર હોય છે. ડૉ. ગૌડાના મતે, મોડી રાત સુધી ફોન ચલાવવો, સતત સ્ક્રીન જોવી અને માત્ર થોડા કલાકની ઊંઘ લેવી આજે ઘણા યુવાનોની આદત બની ચૂકી છે, જે ભવિષ્યમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
શું હોય છે તેના લક્ષણો?:
મિની સ્ટ્રોકની સૌથી મોટી સમસ્યા એ છે કે તેના સંકેતો અવારનવાર નજરઅંદાજ કરી દેવામાં આવે છે. શરીરના એક ભાગમાં અચાનક નબળાઈ અથવા સુન્નપણું, બોલવામાં તકલીફ, ચક્કર આવવા, ધૂંધળું દેખાવું, ચહેરાનું એક તરફ ઝૂકી જવું અથવા થોડી મિનિટો સુધી ભ્રમની સ્થિતિ બની રહેવી તેના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. નિષ્ણાંતનું કહેવું છે કે આવા કોઈ પણ સંકેતને નજરઅંદાજ કરવા જોઈએ નહીં અને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

