ભુજ, તા. 25 : પાગલ પ્રેમી ઘણીવાર બોલી ઊઠતો હોય છે… પ્રેમની કોઇ `સીમા’ હોતી નથી… પણ ભાઇ, દેશની સીમા હોય છે અને તેને ઓળંગવી સરળ નથી તેનું ભાન ગઇકાલે જ ખાવડા આવી ચડેલા કાશ્મીરના યુવાનને થયું જ્યારે તેણે પ્રેમિકાને મળવા સામેપાર કરાચી જવા પાસ માગ્યો… ! `પંછી નદિયાં પવન કે ઝોંકે… કોઇ સરહદ ના ઇન્હે રોકે…’ રેફ્યુજી ફિલ્મનું આ ગીત કચ્છની સરહદે કંડારાયું છે અને ફિલ્મમાં જે રીતે સામેપાર જવું સરળ દર્શાવ્યું છે તેને જોઇ દેશના અનેક યુવાનો પાકિસ્તાનમાં તેની પ્રેમિકાને મળવા કચ્છની સરહદ ઓળંગવાના પ્રયાસો કરતા સામે આવ્યા છે ત્યારે ગઇકાલે પણ આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.

ગઇકાલે સવારે 11 વાગ્યે ભુજથી ખાવડા આવતી બસમાંથી ખાવડાના બસ સ્ટેશને એક યુવાન ઊતર્યો. બસ મથક નજીક જ ઊભેલા શખ્સોને આ યુવાન શંકાસ્પદ લાગતાં તેની પૂછપરછ કરી. કાશ્મીરથી અહીં આવી ચડેલા આ યુવાને સામેપાર કરાચી જવા પાસ ક્યાંથી મળે તેની પૂછપરછ કરતાં આ યુવકને ખાવડા પોલીસ મથકે લવાયો હતો. આ કાશ્મીરી યુવક ઈમ્તિયાઝ શેખે ખાવડા પોલીસને કહ્યું કે, પંજાબમાં વાઘા બોર્ડરથી પાકિસ્તાન જવા મળે છે… કરાચી કચ્છથી નજીક છે, આથી મને સામેપાર કરાચી મારી પ્રેમિકાને મળવા જવું છે તેથી પાસ આપો… પોલીસની પૂછતાછમાં કાશ્મીરના આ યુવકના ગામના પોલીસ મથકનો ખાવડા પોલીસે સંપર્ક કરી વિગતો માગી.
આથી આ યુવકના ભાઇનો ફોન પર સંપર્ક થતાં તેણે સમગ્ર વિગતો જણાવી. કચ્છ આવી પહોંચેલો તેનો ભાઇ ઇન્સ્ટાગ્રામ પર કરાચીની એક યુવતી સાથે મેસેજથી વાત કરે છે… સામેથી કંઇ રિપ્લાય નથી મળતું છતાં સતત મેસેજ કર્યા કરે છે. એકતરફી પ્રેમમાં તે ગળાડૂબ છે. આ બધી ખરાઇ બાદ ખાવડા પોલીસે આંતરરાષ્ટ્રીય સરહદ આ રીતે ન ઓળંગી શકાય તેની સમજ આપી પાછો કાશ્મીર તરફ રવાના કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એકથી દોઢ વર્ષ પૂર્વે પણ મહારાષ્ટ્રથી બાઇક લઇને પાકિસ્તાનમાં તેની પ્રેમિકાને મળવાના મનસૂબા સાથે યુવાન નીકળ્યો હતો અને ખડીરમાંથી ઝડપાયો હતો.

