નવી દિલ્હી, તા. 3 : ચૂંટણીપંચે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે 150 કલેક્ટરને ફોન કરવાના દાવા પર જવાબ આપવા માટે કોંગ્રેસ નેતા જયરામ રમેશે માગેલી સાત દિવસની મુદ્દતને ઠુકરાવી દીધી હતી. ચૂંટણીપંચે આજે સોમવારે જ સાંજે સાત વાગ્યા સુધીમાં જયરામ પાસે તેમના દાવાનાં સમર્થનમાં પુરાવા માગ્યા હતા, પરંતુ લગાતાર બીજા દિવસે કોંગ્રેસ નેતા પુરાવા સોંપી શક્યા નહોતા. પત્રકાર પરિષદને સંબોધનમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, શંકાની કોઇ દવા નથી.

પંચે સ્પષ્ટપણે જયરામ રમેશને કહ્યું હતું કે, આપે આજે જવાબ ન આપ્યો તો અમે માની લઇશું કે તમારી પાસે કોઇ નક્કર પુરાવા નથી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સોશિયલ મીડિયા પર ટ્રાલિંગ પર કહ્યું, અમને ગુમ જેન્ટલમેન કહેવામાં આવતા હતા, પરંતુ આ દરમ્યાન દેશમાં મતદાનનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો.
આ આપણી લોકશાહીની તાકાત છે. ચૂંટણીપંચે સ્વીકાર્યું હતું કે, ભીષણ ગરમીમાં ચૂંટણી કરાવવી જોઈતી નહોતી. રાજીવ કુમારે કહ્યું કે, પ્રથમ વખત મતદાન પછીની હિંસા રોકવા માટે સંવેદનશીલ સ્થળોએ અર્ધલશ્કરી દળોને તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવાં સ્થળો પર આ દળો હિંસા અટકાવશે. 1952થી કોઈપણ લોકસભા ચૂંટણી દરમ્યાન પંચે મતદાન પછી અથવા પરિણામો પહેલાં ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરી નથી. આ પહેલાં ચૂંટણીપંચે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ચાર રાજ્યમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી.

