ગુજરાત સહિતના રાજ્યોમાં ગેરરીતિ મુદ્દે એનટીએનું પણ પૂછાણું લેવાયું : નવી દિલ્હી, તા. 14 : `નીટ’ પરીક્ષામાં ગરબડના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)ને નોટિસ આપી હતી. ગુજરાતમાં પણ પંચમહાલ જિલ્લાના ગોધરામાં 10 લાખ રૂપિયાની લાંચ 27 છાત્રો પાસેથી નીટ પરીક્ષા માટે લેવાના આરોપ હેઠળ એક શાળાના આચાર્ય, શિક્ષક સહિત પાંચ લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરાઇ છે.

સર્વોચ્ચ અદાલતે નીટ પરીક્ષાનાં પેપર ફૂટવા સાથે અન્ય ગરબડોના આરોપોની સીબીઆઇ તપાસ કરાવવાની માંગવાળી અરજીની સુનાવણી કરતાં આ નોટિસ જારી કરી હતી. એ સિવાય ટોચની અદાલતે અરજીઓ અલગ અલગ વડી અદાલતોમાંથી સુપ્રીમ કોર્ટમાં ખસેડવાની માંગવાળી એનટીએની અરજી પર પણ તમામ પક્ષોને નોટિસ આપી છે. અરજી પર હવે આઠમી જુલાઇના સુનાવણી કરાશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇ તપાસની માંગવાળી અરજીની સુનાવણી કરતાં એનટીએને બે સપ્તાહમાં પોતાનો પક્ષ રાખવા નિર્દેશ આપ્યો છે. દરમ્યાન, અરજદાર હિતેશસિંહ કશ્યપે એવો આરોપ મૂક્યો હતો કે, ગુજરાતનાં ગોધરામાં જય જલરામ પરીક્ષા સેન્ટર પસંદ કરવા માટે કર્ણાટક, ઓરિસ્સા, ઝારખંડ વગેરે રાજ્યોમાં 27 છાત્રોએ 10-10 લાખ રૂપિયાની લાંચ આપી હતી. શાળાના આચાર્ય, શિક્ષક સહિત પાંચ વ્યકિતની ધરપકડ કરાઇ હતી. એ શિક્ષક પાસેથી તમામ 26 છાત્રની વિગત મળી છે.
આ હકીકત નજર સામે રાખતાં આ સમગ્ર મામલાની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવી જરૂરી છે તેવી માંગ અરજીમાં કરાઇ છે. – કેન્દ્ર જવાબદારીમાંથી છટકી ન શકે : કોંગ્રેસ પરીક્ષામાં ક્ષતિ જણાશે તો પગલાં લેશું : પ્રધાન : આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 14 : નીટ (એનઈઈટી)-યુજી 2024 પરીક્ષામાં ગેરરીતિ પ્રકરણે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાનું શરૂ ર્ક્યું છે. આ પ્રકરણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના `મૌન’ સામે સવાલ ઊઠાવી કોંગ્રેસે સુપ્રીમ કોર્ટની નજર હેઠળ ફોરેન્સિક તપાસની માગણી કરી છે.
કોંગ્રેસે કહ્યું કે 24 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે ત્યારે મોદી સરકાર જવાબદારીથી છટકી ન શકે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું કે `નીટ-યુજી’નું પ્રશ્ન પત્ર લીક થયાના કોઇ પૂરાવા સામે આવ્યા નથી. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, પરીક્ષાનાં સંચાલનમાં કોઈ પણ ગેરરીતી ચલાવી લેવાશે નહીં. કોઈ ખામી દેખાશે તો, એનટીએ જવાબદાર ગણાશે. કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ શુક્રવારે પાર્ટી મુખ્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે મોદી સરકાર નીટ કૌભાંડનું `વ્હાઈટવૉશ’ કરવા માગે છે. સરકાર પોતાની જવાબદારીથી ભાગી ન શકે. વડા પ્રધાન મોદી દર વખતે મૂકદર્શક બની ન શકે. 24 લાખ યુવાનોનું ભાવિ દાવ પર છે ત્યારે તેઓ ચુપ શા માટે છે? પવન ખેડાએ કહ્યું કે નીટથી દેશમાં લાખો ડૉક્ટર તૈયાર થવાના છે. શું ભાજપ ઈચ્છે છે કે ઉતરતા દરજ્જાના ડૉક્ટરો તબીબી ક્ષેત્રે જોડાય અને આપણા નાગરિકોના જીવન સાથે રમત રમે? આવા ભાવિ ડૉક્ટરો એવી સિસ્ટમમાં તૈયાર થશે, જ્યાં પેપર લીક, ગ્રેસ માર્ક્સ, ગેરરીતિ, કોચિંગ સૅન્ટર્સના ભ્રષ્ટાચાર વ્યાપકપણે ફેલાયેલા છે. કૉંગ્રેસે શિક્ષણ પ્રધાન પર સવાલોની ઝડી વરસાવતાં કહ્યું કે આ વર્ષે 67 ટોપર્સને પૂરા 720 માર્ક્સ આપવામાં આવ્યા છે. ઘણાં ટોપર્સ એક જ રાજ્યના છે અને એકસરખા રોલનંબર ધરાવે છે, એ સાચું નથી ? શું તેઓ એક જ પરીક્ષા કેન્દ્રમાં હતા? તેમણે કહ્યું કે લાખો યુવાન વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે આ મામલે સુપ્રીમ કોર્ટના નિરિક્ષણ હેઠળ ફોરેન્સિક તપાસ થવી જોઈએ. મોદી સરકારે દેશ પ્રત્યે જવાબદારી સમજવી જોઈએ.

