નવી દિલ્હી, તા. 16 : `હવે ઈવીએમને આરામ કરવા દેજો. ચૂંટણી આવશે ત્યારે પાછી ગાળો ખાશે જ’ તેવી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારની રમૂજભરી ટિપ્પણી વચ્ચે લોકસભા ચૂંટણી સંપન્ન થયાના 12 દિવસ બાદ ઈવીએમમાં હેકિંગ વિવાદનું ભૂત ફરી ધૂણ્યું છે. `ઈવીએમને ખતમ કરી નાખવું જોઈએ, માનવી અથવા એઆઈ દ્વારા તેના હેક થવાનો ખતરો છે’ તેવી વિશ્વના સૌથી અમીર કારોબારી એલન મસ્કની ટિપ્પણી, તો બીજી તરફ મહારાષ્ટ્રના એક અખબારમાં મોબાઈલ ફોનથી ઈવીએમ અનલોક થવાના દાવા સાથેના અહેવાલને લીધે બીજા દિવસે રવિવારે ભારતમાં રાજકીય ઘમસાણ સર્જાયું હતું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં ઈવીએમ એક બ્લેક બોકસની જેમ છે. કોઈને પણ તેની તપાસની મંજૂરી કે છૂટ નથી. દેશના ચૂંટણીપંચે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, ઈવીએમને અનલોક કરવા માટે કોઈ ઓટીપીની જરૂર નથી અને કોઈ પણ ડિવાઈસ સાથે તેનું જોડાણ કરવું પણ શકય નથી.

આ મામલે ખાસ પત્રકાર પરિષદ બોલાવીને દેશના ચૂંટણીપંચ વતી મુંબઈમાં રિટર્નિંગ અધિકારી વંદના સૂર્યવંશીએ આરોપો ફગાવી દીધા હતા. શિવસેના શિંદે જૂથના સાંસદ રવીન્દ્ર વાયકરના એક સંબંધી પાસે ઈવીએમને અનલોક કરી શકાય તેવો ફોન હતો, તેવા સમાચાર છાપનાર અખબારને ચૂંટણીપંચે નોટિસ પણ આપી હતી. રાહુલ ગાંધીએ એક્સ પોસ્ટ પર લખ્યું કે, ભારતમાં ઇવીએમ એક બ્લેક બોક્સ છે અને કોઈને પણ તેની તપાસની મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતા દર્શાવાઈ રહી છે, જ્યારે સંસ્થાનોમાં જવાબદારની ઊણપ હોય તો લોકતંત્ર દેખાડો બની જાય છે અને છેતરપિંડીનો શિકાર બની જાય છે. ઈલોન મસ્કની પોસ્ટને રિપોસ્ટ કરતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપા પર કટાક્ષ કરતાં કહ્યંy કે, ઇવીએમના ઉપયોગની જીદ પાછળ કારણ શું છે, આ વાત ભાજપાઈ સ્પષ્ટ કરે. ટેકનોલોજી સમસ્યાઓને દૂર કરવા માટે હોય છે. જો તે મુશ્કેલીઓનું કારણ બની જાય તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. અખિલેશે આગામી ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માંગ કરી હતી. દુનિયાના સૌથી અમીર કારોબારી એલન મસ્કે ગઈકાલે શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ઈવીએમને ખતમ કરી નાખવું જોઈએ.
માનવી અથવા એઆઈ દ્વારા તેના હેક થવાનો ખતરો છે. મસ્કે આવી વાત અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રોબર્ટ કેનેડીની પોસ્ટ રિપોસ્ટ કરતાં કરી હતી. ભારતનાં ઈવીએમનું બ્લુટૂથ, વાઈફાઈ કે ઈન્ટરનેટ કોઈની પણ સાથે જોડાણ કરી શકાતું નથી. મસ્કને જવાબ આપતાં ચંદ્રશેખરે કહ્યું હતું કે, અમારાં ઈવીએમ અંગે તમારે ટયુશન લેવું હોય તો આપતાં અમને ખુશી થશે. અમેરિકન નાગરિકોને જાણવાની જરૂર છે કે તેમના દરેક મતની ગણતરી થાય છે. તેમની ચૂંટણીમાં કોઈપણ પ્રકારની દખલગીરી થઈ શકતી નથી. ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક હસ્તક્ષેપ ટાળવા માટે, તેઓએ પેપર બેલેટ પર પાછા ફરવું પડશે, તેવું મસ્કે કહ્યું હતું. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, જેમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ જો બાયડન અને રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉમેદવાર હશે તે નિશ્ચિત માનવામાં આવે છે. આ વર્ષે એપ્રિલમાં, ઈલેક્ટ્રોનિક વાટિંગ મશીન (ઈવીએમ) વોટ અને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) સ્લિપના 100 ટકા ક્રોસ-ચાકિંગની માંગ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ માંગને લગતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. આ સિવાય અનેક રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

