મુંદરા, તા. 18 : અદાણી પોર્ટ મુંદરા અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. જૂન 2024માં કંપનીએ વિવિધ વિક્રમોની વણજાર સર્જી છે. કાર્ગો હેન્ડાલિંગ, કન્ટેનર રેક હેન્ડલિંગ અને મરીન ઓપરેશન્સમાં અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કરનાર મુંદરા પોર્ટ ભારતનું એકમાત્ર પોર્ટ બની ગયું છે. જૂન 2024માં અદાણી પોર્ટ્સ મુંદરાએ સૌથી વધુ 1,594 કન્ટેનર ટ્રેન (1.68 લાખ કન્ટેનર) હેન્ડલ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ અસાધારણ કામગીરીમાં કુલ 33 ટ્રેન દ્વારા સંચાલિત 3,954 ટીઈયુ સાથે એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં આઉટવર્ડ (આયાત) ટીઈયુનું હેન્ડાલિંગ પણ સામેલ છે.

મુંદરા પોર્ટે નાણાકીય વર્ષ 2025ના ત્રિમાસિક ગાળામાં 51.2 મિલિયન મેટ્રિક ટન ઐતિહાસિક કાર્ગો હેન્ડાલિંગ કરી નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. ભારતમાં એક ક્વાર્ટરમાં આટલો કાર્ગો હેન્ડલ કરનાર પ્રથમ પોર્ટ. અદાણી પોર્ટ્સની મરીન ટીમે એક જ દિવસમાં 45 જહાજનું સંચાલન કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુંદરા પોર્ટ દ્વારા એક જ દિવસમાં હેન્ડલ કરાયેલા જહાજોની આ સૌથી વધુ સંખ્યા છે.
પોર્ટના મરીન ઓપરેશન્સે અગાઉ 17-18 ડિસેમ્બર, 2023ના 43 જહાજ હેન્ડાલિંગનો વિક્રમ સર્જ્યો હતો. 24 કલાકના સમયગાળામાં બંદરે જટિલ દરિયાઈ કામગીરીનું સુરક્ષિત સંકલન કરી કાર્યક્ષમતાને ઉજાગર કરી છે. અદાણી પોર્ટ એન્ડ સેઝના પ્રવક્તાએ આ સીમાચિહ્નો હાંસલ કરવા અંગે જણાવ્યું હતું કે `આ સિદ્ધિઓ અમારી ટીમના અવિરત સમર્પણ, નવીન અભિગમ અને પોર્ટ ઓપરેશનમાં નવા માપદંડો સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.’ ભારતની સૌથી મોટી પોર્ટ ઓપરેટર કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ વ્યૂહાત્મક પહેલ, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ એક્સેલન્સમાં ઉદ્યોગનું નેતૃત્વ કરી રહી છે. બ્લૂમબર્ગમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, અદાણી ગ્રુપ વિયેતનામમાં ચોથું આંતરરાષ્ટ્રીય પોર્ટ બનાવશે. અગાઉ કંપનીએ ઇઝરાયેલમાં હાઇફા, શ્રીલંકાના કોલંબો અને તાન્ઝાનિયાના દાર એ સલામમાં પોર્ટ મેળવ્યા છે.

