વડા પ્રધાન સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

Reena Brahmbhatt
3 Min Read
New Delhi, July 01 (ANI): BJP MP Anurag Thakur speaks in the Lok Sabha during the ongoing Parliament session, in New Delhi on Monday. (ANI Photo/Sansad TV)

નવી દિલ્હી, તા. 31 : લોકસભામાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જાતિ સંબંધી વિવાદિત ટિપ્પણીના મુદ્દે શાસક ભાજપ અને વિપક્ષ કૉંગ્રેસ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. કૉંગ્રેસના સાંસદો જોરદાર સૂત્રોચ્ચાર કરીને વેલ સુધી ધસી ગયા હતા અને શોરબકોર કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઠાકુરના નિવેદનને વખાણી ટ્વીટ કરી એને સાંભળવાની ભલામણ કરતા વિપક્ષે એને લોકસભાના નિયમ વિરુદ્ધ ગણાવી વડા પ્રધાન સામે વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવની માગણી કરી છે. સત્તાધારી ભાજપે ઠાકુરના નિવેદનને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે જે વ્યક્તિ અન્યોને જાતિ પૂછતી ફરે છે એને જાતિ પૂછવામાં ખોટું શું છે? વડા પ્રધાન સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવો કે કેમ એ લોકસભાના અધ્યક્ષે નક્કી કરવાનું છે, ઠાકુરનું નિવેદન વાંધાજનક છે કે કેમ અને એને રેકર્ડમાં રાખવું કે હટાવવું એ પણ અધ્યક્ષે જ નક્કી કરવાનું છે.

anurag thakur 1

- Advertisement -

જોકે, ઠાકુરે આ વિધાન કર્યું એમાં કોઇનું નામ નથી લીધું એથી સંસદના કોઇ નિયમભંગ હેઠળ આવે છે કે વિશેષાધિકાર ભંગનો મુદ્દો બની શકે એ પણ શક્ય નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. મોદીએ ઠાકુરના નિવેદનની ક્લિપ પર ટ્વીટ કર્યું હતું કે, મારા યુવા અને ઉર્જાવાન સાથી સાંસદ અનુરાગ ઠાકુરે કરેલું આ નિવેદન સાંભળવું જોઇએ જે ઇન્ડિ ગઠબંધનના ગંદા રાજકારણને ખુલ્લું પાડે છે. કૉંગ્રેસના સાંસદ ચરણજિત ચન્નીએ આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને આ સંબંધે લેખિત નોટિસમાં કહ્યું હતું કે, ઠાકુરના આ વિવાદિત નિવેદનને કાર્યવાહીના રેકર્ડમાંથી દૂર કરવામાં આવે (કરાયું છે) અને આવા દૂર કરાયેલા વિવાદિત નિવેદનને વખાણી એને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવામાં આવે. બિરલાને લખેલા પત્રમાં ચન્નીએ કહ્યું હતું કે, લોકસભાના અધ્યક્ષે જે વિવાદિત નિવેદનને રેકર્ડમાંથી હટાવ્યું છે એને વખાણી અન્યોને સાંભળવાની ભલામણ કરવા બદલ વડા પ્રધાન મોદી વિરુદ્ધ રૂલ્સ અૉફ પ્રોસિજર ઍન્ડ કન્ડક્ટ અૉફ બિઝનેસ ઇન લોકસભાના નિયમ 222 અંતર્ગત વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવામાં આવે.

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નારાજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ક્યારેય સંસદમાં આવો ખરાબ ઉપહાસ ક્યારેય નથી કરાયો. સંસદમાં ક્યારેય કોઇની જાતિ વિશે પૂછવામાં નથી આવ્યું. ઠાકુરે ઇરાદાપૂર્વક એમનું (રાહુલ ગાંધીનું) અપમાન કર્યું છે. વડા પ્રધાનની ટીકા કરતા ખડગેએ કહ્યું હતું કે, આવા વિવાદિત નિવેદનને ટ્વીટ કરી વડાપ્રધાને ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનને એ ખ્યાલ હોવો જોઇએ કે ક્યાં શું બોલવું અને કોનો બચાવ કરવો. કૉંગ્રેસના હલ્લાબોલ વચ્ચે સંસદીય કાર્ય પ્રધાન કિરણ રિજિજુએ આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી દિવસ-રાત જાતિ, જાતિ અને જાતિ જ જપ્યે રાખે છે. એમને કોઇએ જાતિ વિશે પૂછ્યું તો ખોટું શું છે, કૉંગ્રેસના આવા આચરણથી દેશ નબળો પડે છે. કૉંગ્રેસના નેતાઓ દેશની સેના વિશે પણ અણછાજતી વાતો ફેલાવીને શૌર્યને અવગણીને દેશને વિભાજિત કરવાના પેંતરા કરતી રહે છે. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધી તો અગાઉ પત્રકારો, અધિકારીઓ, જજો અને વડાપ્રધાનની જાતિ વિશે વાત કરી છે, પૂછ્યું છે. હવે એમને કોઇ જાતિ વિશે પૂછે તો ખોટું શું છે?

- Advertisement -
Share This Article