ગુજરાતમાં વિકસીત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણના હેતુથી દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવાશે.
અમદાવાદ, તા. 14 : ગુજરાતમાં 7મીથી 15મી, ઓક્ટોબર સુધી યોજાનારા વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, પાણી પુરવઠા, ઊર્જા, શહેરી વિકાસ, માર્ગ મકાન, જળ સંસાધન અને ગૃહ વિભાગના કુલ 16 જેટલા વિવિધ કામોના લોકાર્પણ અને 14 જેટલા કામોના ખાતમુહૂર્ત કર્યા હતા.
આ અગાઉ, આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિવિધ ક્ષેત્રે કરેલા વિકાસને રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ તબક્કે, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત લીડ લેવા સજ્જ છે. ગુજરાત, દેશમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર પર છે ત્યારે સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન, ક્વોલિટી વર્ક, સામાન્ય માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને નીતિઓના અમલથી અમૃતકાળથી દેશની શતાબ્દી સુધીમાં વિકસીત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણના હેતુથી દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવાશે.
તેઓ, રાજ્યવ્યાપી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રૂા. 2000 કરોડથી વધુના લોકાર્પણ ખાતમૂર્હત અવસરે સંબોધન કરી રહ્યા હતા. ગુજરાત આજે રિન્યુએબલ એનર્જીનું હબ બન્યું છે અને સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં સાકાર થઈ રહ્યો છે. સોલાર એનર્જીને પરિણામે વીજળી પણ સરળતાએ અને સસ્તી મળે છે. તેમણે કહ્યું હતું કે, પાણી, વીજળી, રોડરસ્તા જેવી પાયાની સુવિધાઓ છેક છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું આયોજન નાણાંકીય વ્યવસ્થાપનથી સાકાર થયું છે.
શિક્ષણ ક્ષેત્રે ડિઝીટલ સ્માર્ટ ક્લાસ રૂમ, કન્યા કેળવણી અભિયાનથી દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં સતત ઘટાડો, સ્વાગત ઓનલાઇનના ટેકનોલોજી યુક્ત અભિગમથી લોક પ્રશ્નોનું સત્વરે નિવારણ જેવા જનહિત કાર્યો થઈ રહ્યાં છે. નદીઓને વિકાસ સાથે જોડીને રિવરફ્રન્ટની સંકલ્પનાને હવે રાજ્યના નગરો પણ પોતાના નગરોમાં રિવરફ્રન્ટ દ્વારા સાકાર કરવા આગળ આવી રહ્યા છે.

