અમદાવાદ, તા. 21 : પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા. પરંતુ હવે આજ એટલે કે નકલી કોર્ટ પકડાવાની બાકી હતી. સાઉથની એક ફિલ્મની જેમ અમદાવાદમાં આખે આખી નકલી કોર્ટ ઝડપાઈ છે.
અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગે નકલી લવાદી બનીને જમીનના ઓર્ડર કરનાર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં સીટી સિવિલ કોર્ટ, ભદ્રના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિય સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નકલી લવાદી બનીને વાંધાવાળી જમીનોના ઓર્ડર કર્યા હતી.
આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચીયન 36, ઇન્દિરા આવાસ યોજના, સરકારી શાળા પાસે, મોટી આદરજ, ગાંધીનગર ખાતે રહે છે. અમદાવાદમા બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને બાકાયદા કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી વાસણા ખાતે સરકારી જમીનનો એવોર્ડ પણ કરી નાંખ્યો છે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ થયા, કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપી દીધો છે.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપીએ બાબુજી છનાજીના નામે ધી આર્બિટ્રેશન એન્ડ કન્સીલેશન એક્ટ 1996ની જોગવાઇઓ મુજબ તકરાર નિવારણ અર્થેનો કોઇ આર્બિટ્રેશન કરાર થયેલ ન હોવા છતાં પોતાની જાતને આર્બિટ્રેટર તરીકે ઓળખાવી હતી. તેમજ કોઇ પણ જોગવાઇઓનું પાલન કર્યા વિના પાલડી અમદાવાદના રેવન્યુ સર્વે નં. 306 ટીપી નં. 6ના ફાઇનલ પ્લોટ નં. 32ની સરકારી જમીન પચાવી પાડવા માટે ખોટા ક્લેઇમ સ્ટેટમેન્ટસ તથા આર્બિટ્રેશન પ્રોસિડીંગ ઊભા કરી ગેરકાયદે ઓર્ડર પસાર કર્યો હતો.

