ઓટાવા, તા. 12 : ખાલિસ્તાની અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે કેનેડાની પોલીસે ત્રણ ભારતીયની ધરપકડ કર્યાના અઠવાડિયા બાદ જ વધુ એક ભારતીયની અટક કરાઇ હતી, જેના પર નિજ્જરની હત્યાના કાવતરાનો આરોપ લગાવાયો હતો. એક મીડિયા હેવાલ અનુસાર સુપરિન્ટેન્ડેન્ટ મનદીપ મુખરે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલી ચોથી વ્યક્તિ 22 વર્ષીય અમનદીપ સિંહની નિજ્જરની હત્યામાં મહત્ત્વની ભૂમિકા હોવા બાબતેના પુરાવા મળ્યા છે.

અલબત્ત, તે પહેલાંથી જ હથિયારોના આરોપમાં પ્રાદેશિક કસ્ટડીમાં હતો. જો કે, કેસની તપાસ અને કોર્ટની પ્રક્રિયાઓના કારણે તેમણે આ મુદ્દે વધુ વિગત જાહેર કરી નહોતી. ધરપકડ કરાયેલો અમનદીપ સિંહ નિજ્જર પર ગોળીબાર કરનારા બે પૈકીનો એક હોવાનું પોલીસને અનુમાન છે તેવું સૂત્રોઁમાંથી જાણવા મળ્યું હતું. અમનદીપ અસ્થાયી વિઝા પર કેનેડા આવ્યો હતો અને કથિત રીતે હિંસક ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. નોંધનીય છે કે, 45 વર્ષીય નિજ્જરની ગત વર્ષે 18 જૂનના બ્રિટિશ કોલંબિયાના સરેમાં, ગુરુનાનક શીખ ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરાઇ હતી. તેની હત્યામાં ભારતીયોની સંડોવણી હોવાનું કેનેડા સરકારનું માનવું છે. અલબત્ત, ત્યારથી જ ભારત-કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા અને બંને દેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય તણાવ વધ્યો હતો.
