Casimir IV Tomb Fungus: આજે 50 વર્ષથી પણ વધુ સમય પહેલાં, 1973માં પોલેન્ડમાં ઉજવણી જેવો માહોલ હતો. તેનું કારણ પુરાતત્વવિદોએ પોલેન્ડના 15મી સદીના સન્માનિત રાજા કાસિમિર IV જાગિલોનની કબર ખોલી હતી. સરકારે પ્રાચીન સ્મારકો સુધી પહોંચને ખૂબ જ મર્યાદિત રાખી હતી, પરંતુ ક્રાકોના આર્ચબિશપ કેરોલ વોજ્ટિલા (જે બાદમાં પોપ જૉન પોલ II બન્યા)એ એક સંશોધન ટીમને રાજાના ભૂગર્ભ કક્ષમાં જવાની વિશેષ પરવાનગી આપી હતી. રાજા કાસિમિરે 1492માં પોતાના અવસાન સુધી શાસન કર્યું હતું.
રાજા કાસિમિરની કબર પર થયેલા સંશોધનના પરિણામો જીવલેણ સાબિત થયા
કબર ખોલ્યાના માત્ર થોડા જ દિવસોમાં ભૂગર્ભ કક્ષમાં ગયેલા 12 સંશોધકોમાંથી ચારના મોત થયા. ત્યારબાદના થોડા અઠવાડિયામાં આ સંખ્યા વધીને 10 થઈ ગઈ. આગામી થોડા વર્ષોમાં કબરની અંદર ગયેલા અથવા પ્રયોગશાળામાં મૃતદેહ પર કામ કરનાર તમામ 15 લોકોના મોત થઈ ગયા. તેને ‘મમીના શ્રાપ’ તરીકે જોવામાં આવ્યું, જેના વિશે અગાઉથી જ ઇજિપ્તમાં ચર્ચા થઈ ચૂકી હતી.
મમીનો શ્રાપ
મમીના શ્રાપની કહાની પોલેન્ડથી ઘણાં પહેલાં, 1922માં રાજા ટૂટની કબર ખોલવાથી શરૂ થઈ હતી. ઇજિપ્તના ફરાઓના દફન કક્ષમાં પ્રવેશ કર્યા બાદ પાંચ અઠવાડિયામાં અભિયાનના નેતા લોર્ડ કાર્નારવોનનું અવસાન થયું હતું. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે તે સ્થળ પર શ્રાપ છે. કાર્નારવોનના મૃત્યુ માટે સંક્રમિત મચ્છરના ડંખ અને ન્યુમોનિયાના અજીબ સંયોજનને જવાબદાર માનવામાં આવે છે, પરંતુ તબીબી જગતને તેના પર સંપૂર્ણ વિશ્વાસ નથી.
લક્ષણોની સમીક્ષા કર્યા બાદ ધ લાન્સેટમાં 2003માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં નિષ્કર્ષ આપવામાં આવ્યો કે કબરમાંથી સીધા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશેલા ફંગસ ‘એસ્પરગિલોસિસ’ ના કારણે જીવલેણ ચેપ થઈ શકે છે. 1922માં આ ફંગસ વિશે અજાણ રહેલા પોલિશ સંશોધકોએ 1973માં વાવેલ રોયલ કાસલના ચેપલમાં રાજા કાસિમિર જાગિલોનના ભૂગર્ભ કક્ષમાં પ્રવેશતા પહેલાં શ્રાપ અંગે મજાક કરી હતી. જોકે, જ્યારે મોત થવા લાગ્યા ત્યારે આ મજાક રહી નહોતી.
ભૂગર્ભ કક્ષમાંથી લેવામાં આવેલા સેમ્પલ
જર્નલ ઑફ ધ એર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનમાં 2015માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં પોલેન્ડના વાવેલ અને અન્ય સ્થળોના અનેક ભૂગર્ભ કક્ષોની હવા અને સપાટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે ભૂગર્ભ કક્ષની અંદર ફંગસની સંખ્યા કામ દરમિયાન સંપર્કમાં આવવાની ભલામણ કરાયેલી મર્યાદાથી વધુ છે. આવા ભૂગર્ભ કક્ષોમાં કામ કરતા કર્મચારીઓને આ જોખમો વિશે જાણ હોવી જોઈએ.
રાજાના અવસાન સમયે અપનાવવામાં આવેલી અંતિમ સંસ્કારની પ્રક્રિયાઓએ જીવલેણ ફંગસના બીજાણુઓના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી હતી. 1427માં જન્મેલા રાજા કાસિમિર IV જાગિલોન સૌપ્રથમ 1440માં લિથુઆનિયાના ગ્રાન્ડ ડ્યુક બન્યા અને ત્યારબાદ 1447માં પોલેન્ડના રાજા બન્યા. તેમને તે સમયના મહાન રાજાઓમાંના એક માનવામાં આવે છે. તેમના શાસનકાળ દરમિયાન સમગ્ર યુરોપમાં પોલેન્ડનું પ્રભુત્વ વધ્યું હતું.
1492માં રાજાનું અવસાન થયું
1492માં 65 વર્ષની વયે રાજા કાસિમિરનું અવસાન થયું હતું. તેમના અવસાન પછીના દિવસો ખૂબ જ ગરમ હતા અને જ્યાં સુધી તેમના મૃતદેહને કપડાથી ઢાંકી લાકડાના સાદા તાબૂતમાં દફનાવવામાં આવ્યો, ત્યાં સુધી તેમાં સડાણ શરૂ થઈ ગઈ હતી. સંશોધકોએ 500 વર્ષ બાદ 13 એપ્રિલ, 1973ના રોજ કબર ખોલી ત્યારે તાબૂત સડી ગયો હતો, પરંતુ તેમાં ફંગસ વિકસી રહી હતી.
કાસિમિરની કબરમાંથી લેવામાં આવેલા સેમ્પલની તપાસમાં જાણવા મળ્યું કે ત્યાં ફંગસનું ઘન મિશ્રણ હતું. તેમાં એસ્પરગિલસ, પેનિસિલિયમ રૂબ્રમ અને પેનિસિલિયમ રુગુલોસમનો સમાવેશ થતો હતો. સામાન્ય રીતે આ બીજાણુઓ તાવ અને સોજાનું કારણ બને છે, પરંતુ બંધ કબરની અંદર મોટી માત્રામાં શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે તો આ ફંગસનું મિશ્રણ જીવલેણ બની જાય છે.
તબીબી નિષ્ણાતો શું કહે છે
તબીબી નિષ્ણાતોએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અન્ય કોઈ ચેપના કારણે નબળી પડી હોય તો ફંગસ ફેફસાંની અંદર ઊંડે સુધી ફેલાઈ શકે છે. તેનાથી એલર્જી જેવા લક્ષણો જીવલેણ સ્થિતિમાં પરિવર્તિત થઈ શકે છે, જે થોડા જ દિવસોમાં હુમલો કરી શકે છે અથવા પછી શાંતિથી વર્ષો સુધી શરીરમાં વિકસતી રહી શકે છે.

