Cyclone and Dust Storm in US: અમેરિકામાં ચક્રવાત અને ધૂળની આંધીથી હાહાકાર, મૃત્યુઆંક 34થી વધુ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Cyclone and Dust Storm in US: અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગમાં આવેલા ચક્રવાત અને વાવાઝોડાને કારણે  અનેક મકાનો અને શાળાઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને મૃત્યુઆંક વધીને ૩૪ થઇ ગયો છે.

મિસૌરી રહેવાસી ડકોટા હેંડરસને જણાવ્યું હતું કે ચક્રવાતથી અસરગ્રસ્ત વેન કાઉન્ટીમાં તેમણે અને અન્ય લોકોએ મળીને જ્યારે પાડોશીઓને બચાવવાનું અભિયાન શરૂ કર્યુ તો તેમના સંબધીના ઘરની બહાર કાટમાળમાં પાંચ મૃતદેહો મળી આવ્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવેલા ચક્રવાતને કારણે ઓછામાં ઓછા એક ડઝન લોકોનાં મોત થયા છે.

મિસિસિપીના ગવર્નર ટેટ રીવ્સે જણાવ્યું હતું કે ત્રણ કાઉન્ટીઓમાં છ લોકોનાં મોત   થયા છે અને અન્ય ત્રણ લોકો લાપતા છે. તેમણે જણાવ્યું હતું કે ચક્રવાત પૂર્વમાં અલબામાની તરફ આગળ વધી રહ્યું છે જ્યાં ઘરો અને સડકોને નુકસાન થયું છે.

અધિકારીઓએ અર્કસાસમાં ત્રણ મોત થયા હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. ગવર્નર સારા હકાબી સેંડર્સે રાજ્યમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી. જયોર્જિયાના ગવર્નરે પણ રાજ્યમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. ૫૦ થી ૭૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેટ હાઇવે પેટ્રોલના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા ૫૦ વાહનો ટકરાઇ જવાના કારણે કનસાસ હાઇવે પર આઠ લોકોનાં મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સાસ પેનહેંડલના અમરિલોમાં ડસ્ટ સ્ટોર્મને કારણે થયેલા કાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. ઉત્તરના ઠંડા વિસ્તારોમાં બરફ સાથેનું તોફાન અને દક્ષિણના ગરમ વિસ્તારોમાં જંગલમાં આગ લાગવાની શકયતાને નકારી શકાય તેમ નથી. ઓકલાહોમાના કેટલાક વિસ્તારોને આગની ઘટનાઓને પગલે ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ૧૩૦થી વધારે આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. ૩૦૦ મકાનો ક્ષતિગ્રસ્ત કે નાશ પામ્યા છે. ગવર્નર કેવિન સ્ટિટ્ શનિવારે જણાવ્યું હતું કે લગભગ ૬૮૯ ચો કિલોમીટરનો વિસ્તાર બળી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ઓકલાહોમા સિટીના ઉત્તર પૂર્વમાં તેમનું પોતાનું મકાન પણ બળી ગયું છે.પશ્ચિમ મિન્નેસોટા અને દક્ષિણ ડાકોટામાં ૩ થી ૬ ઇંચથી લઇને એક ફૂટ બરફ પડવાની સંભાવના છે.  મિસ્સિસિપી, લૂઇસિયાના, મિસ્સોરી, અલાબામા સહિત અમેરિકાના છ રાજ્યામાં ૩૦થી વધુ ચક્રવાત ત્રાટક્યા છે. મિસ્સિસિપીમાં ચક્રવાત ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. લૂઇસિયાનામાં જોખમી વૃક્ષો તોડી પાડવામાં આવ્યા હતાં. આ રાજ્યમાં ૩૦ મકાનોને નુકસાન થયું છે. ઓકલાહોમાના ંજંગલોમાં લાગેલી આગથી ૧,૭૦,૦૦૦ એકર જમીન બળી ગઇ છે અને ૩૦૦થી વધુ ઇમારતો નાશ પાીમી છે.

Share This Article