India Iran Hormuz Strait Trade: ચીન બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોની પણ અવરજવર શરૂ, સીક્રેટ સમજૂતી થઈ? IRGCએ USને આપી ચેતવણી

Arati Parmar
4 Min Read

India Iran Hormuz Strait Trade: ચીન પછી હવે ભારતીય કાર્ગો જહાજો પણ હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) માંથી પસાર થવા લાગ્યા છે. ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ભારતના બે કાર્ગો જહાજો ‘પુષ્પક’ અને હવે ‘પરિમલ’ આ વ્યાપારી માર્ગ પરથી પૂરી ઝડપે પસાર થઈ રહ્યા છે. અગાઉ ઈરાને માત્ર ચીનના કાર્ગો જહાજોને જ આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે જ્યારે બે ભારતીય જહાજો આ રસ્તે છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે ભારત અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થઈ ગઈ છે અથવા તો આ બંને જહાજો પોતાના જોખમે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે.

હોર્મુઝમાંથી ભારતીય જહાજો પસાર થવાના અહેવાલો એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને ઈરાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ભારતના વિદેશ મંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકર સાથે ટેલિફોન પર વાત કરી હતી. આ ઉપરાંત, ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહ પણ નવી દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે ભારતીય અધિકારીઓ સાથે વિદેશ મંત્રી એસ. જયશંકરની મુલાકાત લીધી હતી.

- Advertisement -

IRGCએ હોર્મુઝને લઈને કહ્યું- અમેરિકાની રાહ જોઈ રહ્યા છીએ

હોર્મુઝ સ્ટ્રેટમાંથી જે સમયે ભારતીય કાર્ગો જહાજો પસાર થઈ રહ્યા છે, તે જ સમયે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ અમેરિકાની રાહ જોઈ રહ્યા છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું છે કે તેઓ યુએસ સેના દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને એસ્કોર્ટ કરવાની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાએ કહ્યું છે કે તે આ વ્યાપારી માર્ગ પરથી પસાર થતા જહાજોને સુરક્ષા પૂરી પાડશે. આ બાબતે જ IRGCએ આ નવી ચેતવણી જારી કરી છે. અહેવાલ મુજબ, IRGCએ ચેતવણી આપતા કહ્યું છે કે “અમારી સલાહ છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા અમેરિકા ૧૯૮૭માં અમેરિકન સુપરટેન્કર ‘બ્રિજટન’ માં લાગેલી આગને યાદ કરે.”

બીજી તરફ, પહેલા પુષ્પક અને હવે પરિમલને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જોવામાં આવી રહ્યા છે. આ વ્યાપારી માર્ગને હાલમાં ‘મોતના મુખ’ સમાન ગણવામાં આવી રહ્યો છે. તેથી જ એવું માનવામાં આવે છે કે કાં તો ઈરાન સાથે ભારતની કોઈ સીક્રેટ સમજૂતી થઈ ગઈ છે અથવા તો આ બંને જહાજોએ ખૂબ મોટું જોખમ લીધું છે. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ આ દરિયાઈ માર્ગો પર જહાજો પર હુમલા કરી રહ્યા છે, એવામાં શક્ય છે કે ઈરાને ભારતને આશ્વાસન આપ્યું હોય કે “ભારતીય ધ્વજ” ધરાવતા જહાજોને નિશાન બનાવવામાં આવશે નહીં. આ જ કારણ છે કે આ જહાજો ડર્યા વગર ત્યાંથી નીકળી રહ્યા છે.

- Advertisement -

ભારત અને ઈરાન વચ્ચે શું કોઈ ગુપ્ત સમજૂતી થઈ?

ભારત અને ઈરાનના વિદેશ મંત્રીઓની વાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાએ શ્રીલંકા પાસે IRIS ડેના (IRIS Dena) નામના યુદ્ધજહાજ પર હુમલો કરીને તેને ડૂબાડી દીધું છે. આ જહાજ ભારતીય નૌસેના સાથેના યુદ્ધાભ્યાસ પછી પરત ફરી રહ્યું હતું. તેને ઈરાનના દરિયાકિનારાથી લગભગ ૨,૦૦૦ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ પણ પૂર્વ ચેતવણી વિના નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલા પછી ભારતે હિંદ મહાસાગરમાં ફસાયેલા અન્ય જહાજોને આશ્રય આપવાનું શરૂ કર્યું છે.

ભારત સરકારના સત્તાવાર સ્ત્રોતોને ટાંકીને શુક્રવારે દાવો કર્યો હતો કે ભારતે એક ઈરાની જહાજને કોચીમાં ડોક કરવાની મંજૂરી આપી છે. આ જહાજમાં દક્ષિણ શ્રીલંકાના કિનારા પાસે કેટલીક ટેકનિકલ સમસ્યાઓ આવી ગઈ હતી. હાલમાં આ જહાજ પર તૈનાત તમામ નાવિકો ભારતીય નૌસેનાની ફેસિલિટીમાં છે. IRIS ડેના પર હુમલા બાદ ભારત સરકારની ટીકા થઈ રહી હતી.

- Advertisement -

ભારતીય નૌસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૫ ફેબ્રુઆરીએ ‘મિલન’ યુદ્ધાભ્યાસ પૂરો થઈ ગયો હતો અને ત્યારબાદ આ યુદ્ધજહાજ નીકળી ગયું હતું. ૨૮ ફેબ્રુઆરીએ ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો અને ૪ માર્ચે ઈરાની યુદ્ધજહાજ પર શ્રીલંકા પાસે હુમલો કરવામાં આવ્યો હતો. નૌસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલો મિલન અભ્યાસ પૂરો થયાના ૮ દિવસ પછી કરવામાં આવ્યો હતો અને તે હિંદ મહાસાગરના આંતરરાષ્ટ્રીય જળસીમામાં હતું, અને ઈરાનની વિનંતી વિના ભારત તેને એસ્કોર્ટ કરી શકે તેમ નહોતું.

Share This Article