Canada Spouse Study Permit: કૅનેડામાં ભારતીય સ્ટુડન્ટ્સના જીવનસાથીને મળશે ઓપન સ્ટડી પરમિટ, જાણો સંપૂર્ણ નિયમો અને ફાયદા
Canada Spouse Study Permit: કૅનેડામાં ભણવા ગયેલા ભારતીય સ્ટુડન્ટ્સે એક વાત જાણવી જોઈએ. અહીં સ્ટુડન્ટના સ્પાઉઝ એટલે કે પતિ-પત્નીને પણ અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવે છે. સરકારના નિયમો હેઠળ તેમને ઓપન સ્ટડી પરમિટ આપવામાં આવે છે. જોકે, ઓપન સ્ટડી પરમિટ મેળવવા માટે પહેલાં તેમના સ્પાઉઝે તેમની સાથે જ કૅનેડા જવું પડશે અને અન્ય બાકીની શરતો પણ પૂરી કરવી પડશે.
કૅનેડામાં હજારો સ્ટુડન્ટ્સ એવા હોય છે, જેઓ પરિણીત છે. તેઓ ઇચ્છે છે કે તેમના જીવનસાથીને પણ કૅનેડામાં તેમની સાથે રહેવાની તક મળે. IRCCના નિયમો તેમને આ માટે મંજૂરી પણ આપે છે, પરંતુ તેની સાથે તેમને ઓપન સ્ટડી પરમિટ પણ આપવામાં આવે છે, જેથી જો કોઈ અભ્યાસ કરવા માગતું હોય તો કરી શકે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ઓપન સ્ટડી પરમિટનો લાભ કઈ રીતે મળશે. ચાલો હવે આ વિશે પણ જાણી લઈએ.
ઓપન સ્ટડી પરમિટના મુખ્ય ફાયદા
- કૉલેજની પાબંદી નથી: કૅનેડામાં જે સ્ટડી પરમિટ મળે છે, તેના દ્વારા માત્ર ‘ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન’ (DLI)માં જ અભ્યાસ કરી શકાય છે. ઓપન સ્ટડી પરમિટ માટે આવો કોઈ નિયમ નથી.
- PALમાંથી છૂટ: ઓપન સ્ટડી પરમિટ હેઠળ સામાન્ય રીતે પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર (PAL)ની જરૂર હોતી નથી.
- લેટર ઑફ એક્સેપ્ટન્સ (LOA)ની શરૂઆતમાં જરૂર નથી: કૅનેડા પહોંચતા પહેલાં અરજી કરતી વખતે કૉલેજના એડમિશન લેટર (LOA)ની અનિવાર્યતા હોતી નથી.
- ભારે ઍડવાન્સ ડિપોઝિટમાંથી રાહત: ઘણા કૉલેજ એડમિશન નક્કી કરવા માટે મોટી ફી અથવા ડિપોઝિટ ઍડવાન્સમાં માગે છે, જેના કારણે આ પ્રક્રિયામાં રાહત મળી શકે છે.
- સ્ટડી કૅપમાંથી છૂટ: આ અરજદારો કૅનેડાની કુલ સ્ટડી પરમિટ ક્વોટાની મર્યાદાની બહાર હોય છે અને કોઈપણ કૅનેડિયન પ્રાંતમાં અભ્યાસ પસંદ કરી શકે છે.
ઓપન સ્ટડી પરમિટ મેળવવા માટે કઈ શરતો પૂરી કરવી પડશે?
- જો કોઈ સ્પાઉઝ આ ઓપન સ્ટડી પરમિટ મેળવવા માગે છે, તો તેણે મુખ્યત્વે આ બે શરતો પૂરી કરવી પડશે:
- કૅનેડા પહોંચતા પહેલાં અરજી: સ્ટડી પરમિટ માટેની અરજી ભારત અથવા કૅનેડાની બહારથી જ કરવામાં આવવી જોઈએ.
- મુખ્ય અરજદારની મંજૂરી: જે મુખ્ય સ્ટુડન્ટ સાથે તમે જઈ રહ્યા છો, તેમની સ્ટડી અરજી કૅનેડામાં પ્રવેશ કરતા પહેલાં જ લેખિત રીતે અપ્રૂવ થઈ ચૂકેલી હોવી જોઈએ.
કઈ રીતે અપ્લાય કરવું?
- ભારતીય સ્ટુડન્ટે સૌથી પહેલાં કૅનેડામાં એડમિશન લેવું પડશે.
- એડમિશન પછી તેને સ્ટડી પરમિટ આપવામાં આવશે.
- સ્ટડી પરમિટ મળ્યા બાદ IRCC તેમને અપ્રૂવલ/ઇન્ટ્રોડક્શન લેટર જાહેર કરે છે.
- સ્પાઉઝે પણ મુખ્ય અરજદાર સાથે અથવા તેના તરત બાદ કૅનેડાની બહાર એટલે કે ભારતમાંથી જ પોતાનું સ્ટડી પરમિટ ઑનલાઇન અપ્લાય કરવું પડે છે.
- અરજી કરતી વખતે મેરેજ સર્ટિફિકેટ, સ્ટુડન્ટના સ્ટડી પરમિટના અપ્રૂવલ લેટરની કૉપી અને અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ્સ જોઈએ.
- IRCC તમારા ડૉક્યુમેન્ટ્સની તપાસ કરે છે. જો બધું યોગ્ય જણાય તો સ્પાઉઝને ઓપન સ્ટડી પરમિટ જાહેર કરવામાં આવે છે.
સામાન્ય રીતે સ્પાઉઝને જે ઓપન સ્ટડી પરમિટ મળે છે, તેની વૅલિડિટી મુખ્ય સ્ટુડન્ટના પરમિટની એક્સપાયરી ડેટ સુધી જ હોય છે. ત્યારબાદ સ્પાઉઝ પોતાની પસંદના કૉલેજમાં એડમિશન લઈ શકે છે અથવા અભ્યાસ શરૂ કરી શકે છે. કૅનેડામાં અભ્યાસ માટે વૈકલ્પિક માર્ગ શોધી રહેલા તમામ લોકો માટે આ એક સારો વિકલ્પ છે.

