Nepal Former Pm KP Sharma Oli Arrested: નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે. તેમને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ‘Gen-Z’ વિરોધ પ્રદર્શનોને કથિત રીતે દબાવવા સાથે જોડાયેલા સાપરાધ મનુષ્યવધના (Culpable Homicide) કેસમાં પકડવામાં આવ્યા છે. ઓલીને શનિવારે સવારે ભક્તપુરના ગુંડુ સ્થિત તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બીજી તરફ, લેખકની સવારે લગભગ ૫ વાગ્યે ભક્તપુરના સૂર્યવિનાયક સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.
ઓલી અને લેખકની ધરપકડ બાલેન શાહ નેપાળના વડાપ્રધાન બન્યાના ૨૪ કલાકની અંદર થઈ છે. માર્ચની શરૂઆતમાં થયેલી ચૂંટણીમાં જંગી જીત મેળવનાર બાલેન શાહે શુક્રવારે દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ગયા વર્ષે જેન-ઝી (Gen-Z) વિરોધ પ્રદર્શનમાં કેપી ઓલી શર્માના પદ પરથી હટ્યા બાદ દેશમાં આ પ્રથમ સામાન્ય ચૂંટણી હતી.
ઓલીને ૧૦ વર્ષની જેલ થઈ શકે છે
આ ધરપકડો ગયા વર્ષના જેન-ઝી વિરોધ પ્રદર્શનના કેસમાં ગૃહ મંત્રાલય દ્વારા નોંધાવવામાં આવેલી ઔપચારિક ફરિયાદ બાદ થઈ છે. ફરિયાદને આધારે તપાસ શરૂ થઈ અને ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા હતા. તેમના પર એવી કલમો હેઠળ આરોપ મૂકવામાં આવે તેવી શક્યતા છે, જેમાં મહત્તમ ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે.
આયોગે કરી હતી ભલામણ
અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી પૂર્વ સ્પેશિયલ કોર્ટના જજ ગૌરી બહાદુર કાર્કીની અધ્યક્ષતાવાળા આયોગની ભલામણો લાગુ કરવા માટે કરવામાં આવી રહી છે. આયોગે ભલામણ કરી છે કે કેપી શર્મા ઓલી, રમેશ લેખક અને તત્કાલીન પોલીસ મહાનિરીક્ષક ચંદ્ર કુબેર ખાપુંગ પર ગુનાહિત બેદરકારી માટે રાષ્ટ્રીય દંડ સંહિતાની કલમ ૧૮૧ અને ૧૮૨ હેઠળ આરોપ મૂકવામાં આવે. આમાં ૧૦ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
આયોગના રિપોર્ટમાં આ લોકો વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ:
કેપી શર્મા ઓલી – પૂર્વ વડાપ્રધાન
રમેશ લેખક – પૂર્વ ગૃહમંત્રી
ચંદ્ર કુબેર ખાપુંગ – પૂર્વ પોલીસ મહાનિરીક્ષક
ગોકર્ણ મણિ દવાડી – તત્કાલીન ગૃહ સચિવ
રાજુ આર્યલ – સશસ્ત્ર દળના વડા
હુતરાજ થાપા – રાષ્ટ્રીય તપાસ વિભાગના પૂર્વ વડા
છબી રિઝાલ – કાઠમંડુના તત્કાલીન મુખ્ય જિલ્લા અધિકારી
નેપાળનું Gen-Z પ્રદર્શન
નેપાળમાં ગયા સપ્ટેમ્બરમાં એક જબરદસ્ત વિરોધ પ્રદર્શન થયું હતું, જેનું નેતૃત્વ યુવાઓની ‘Gen-Z’ પેઢીએ કર્યું હતું.
આ પ્રદર્શનો દરમિયાન કુલ ૭૭ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ દરમિયાન હિંસા, આગજની અને તોડફોડમાં અબજો રૂપિયાની સરકારી અને ખાનગી સંપત્તિ નાશ પામી હતી.
આ પ્રદર્શનોને કારણે તત્કાલીન વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું.
ત્યારબાદ નેપાળ સુપ્રીમ કોર્ટના સુશીલા કાર્કીના નેતૃત્વમાં વચગાળાની સરકાર બની હતી, જેણે ૨ માર્ચે ચૂંટણી કરાવી હતી.

