નવી દિલ્હી, તા. 25 : જ્ઞાનવાપી કેસમાં વારાણસીની અદાલતે શુક્રવારે હિંદૂ પક્ષની અરજી ફગાવી દીધી હતી. જેમાં પૂરા પરિસરના એએસઆઈ સર્વેની માગણી કરાઈ હતી. હિંદૂ પક્ષકાર વિજય શંકર રસ્તોગીએ પોતાની અરજીમાં તર્ક આપ્યો હતો કે મસ્જિદના મુખ્ય ગુંબજ નીચે ભગવાન આદિ વિશ્વેશ્વરનું 100 ફુટનું વિશાળ શિવલિંગ છે જેનું પેનિટ્રેટિંગ રડારના માધ્યમથી પુરાતાત્વિક સર્વેક્ષણ થવું જોઈએ. સાથે જ માગણી કરી હતી કે વજુખાનાનો પણ સર્વે થવો જોઈએ જે પહેલાના એએસઆઈ સર્વેમાં થયો નથી.
આ સર્વેમાં બાકી રહેલા તહેખાનાને પણ સામેલ કરવા જોઈએ. હિંદૂ પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ કહ્યું હતું કે નિચલી અદાલતના આદેશને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. તેઓ કોર્ટના આદેશની કોપીની રાહ જોઈ રહ્યા છે. આદેશનો પૂરો અભ્યાસ કર્યા બાદ હાઈકોર્ટમાં જશે. આ પહેલા વિજય શંકરે કોર્ટમાં પોતાની દલીલમાં કહ્યું હતું કે, ગયો એએસઆઈ સર્વે અધુરો હતો. તેમણે દાવો કર્યો હતો કે જે ક્ષેત્રમાં શિવલિંગ હોવાનો દાવો હિંદૂ પક્ષ કરી રહ્યો છે તેનો સર્વે કરવામાં આવ્યો નથી.
એટલે પૂરા જ્ઞાનવાપી પરિસરનો સર્વે કરવો જરૂરી છે. હિંદૂ પક્ષકારની અરજીનો અંજુમન ઈન્તજામિયા મસ્જિદ કમિટિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ અને સર્વોચ્ચ ન્યાયાલય પહેલા જ હસ્તક્ષેપ કરી ચૂકી છે. બન્ને અદાલતોએ સાઈટમાં કોઈપણ ખોદકામનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો તેમજ એએસઆઈ અધિકારીઓને પરિસરમાં કોઈપણ સંરચનાત્મક ક્ષતિથી બચવાનો નિર્દેશ આપ્યો હતો. આ મામલે 19 ઓક્ટોબરના રોજ સુનાવણી પૂરી થયા બાદ વારાણસી કોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

