Amit Shah Assam Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે આસામના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌ પ્રથમ આસામના નગાંવ જિલ્લામાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ ‘બટાદ્રવા’નું ઉદ્ઘાટન કર્યું હતું. બટાદ્રવાને ૨૨૭ કરોડ રૂપિયાના ખર્ચે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને પવિત્ર માર્ગેરિટા તથા રાજ્યના સંસ્કૃતિ મંત્રી બિમલ બોરા હાજર રહ્યા હતા.
વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળના પુનઃવિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
ગૃહમંત્રીએ આસામ પ્રવાસની શરૂઆત ગુવાહાટીમાં ‘શહીદ સ્મારક ક્ષેત્ર’માં ગેરકાયદે ઘૂસણખોરો સામેના આસામ આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરી હતી. ત્યારબાદ બટાદ્રવા પહોંચતા જ ગૃહમંત્રીનું ‘ગાયન-બયાન’ (ગાયક અને ઢોલ વાદક) દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. શાહે સંત શંકરદેવના જન્મસ્થળનું પુનઃવિકાસ બાદ ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન પછી શાહ કેન્દ્રીય ભવનમાં પણ ગયા જ્યાં ‘ગુરુ આસન’ (પૂજનીય સંતની બેઠક) રાખવામાં આવ્યું છે. ‘મહાપુરુષ શ્રીમંત શંકરદેવ આવિર્ભાવ ક્ષેત્ર’ નામની આ જગ્યાને ફરીથી વિકસાવવાનો નિર્ણય સૌથી પહેલા ૨૦૨૧-૨૨ના રાજ્ય બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો.
આ પરિયોજનાને માત્ર ઐતિહાસિક સ્થળ જ નહીં પરંતુ એક મુખ્ય પ્રવાસન સ્થળ બનાવવા માટે પણ ડિઝાઇન કરવામાં આવી છે. અહીં મહાપુરુષ શંકરદેવ સાથે જોડાયેલા જીવન, આદર્શો અને કલાત્મક વારસા તથા રાજ્યની વ્યાપક સાંસ્કૃતિક પરંપરાઓને પણ દર્શાવવામાં આવી છે. સરમાએ કહ્યું કે આ પ્રોજેક્ટ મહાપુરુષ શ્રીમંત શંકરદેવના વારસાનું સન્માન કરવાની સાથે આસામના સત્રો, નામઘરો અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.
એક લાખ વીઘા જમીન અતિક્રમણમાંથી મુક્ત કરાવી
બારદ્રવામાં આયોજિત જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળને અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવએ ‘એક ભારત’નું આહવાન કર્યું હતું, જેનું હવે પીએમ નરેન્દ્ર મોદી પાલન કરી રહ્યા છે. અમિત શાહે દાવો કર્યો કે આસામમાં હિમંત બિસ્વા સરમા સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસેથી ૧ લાખ વીઘાથી વધુ જમીન ખાલી કરાવી છે. અમે માત્ર આસામમાંથી જ નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરીશું. તેમણે કહ્યું, અમે ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ કરારો કર્યા છે, જેની ૯૨% શરતો પૂરી થઈ ચૂકી છે.
સમગ્ર દેશમાંથી ઘૂસણખોરોની ઓળખ કરવામાં આવશે
શાહે કહ્યું, ‘ભાજપ સમગ્ર દેશમાંથી તમામ ઘૂસણખોરોને હટાવવાનો સંકલ્પ લે છે. શું એ યોગ્ય હતું કે શંકરદેવની આ જગ્યા પર બાંગ્લાદેશી ઘૂસણખોરો હતા? હું હિમંત બિસ્વા સરમાને અહીંથી ઘૂસણખોરોને હટાવવા અને નામઘરને ફરીથી સ્થાપિત કરવા બદલ અભિનંદન આપું છું. કોંગ્રેસે આટલા વર્ષો સુધી શાસન કર્યું, પરંતુ તેણે આસામ આંદોલનમાં જીવ ગુમાવનારાઓ માટે કંઈ કર્યું નથી. કોંગ્રેસ પક્ષ વર્ષો સુધી ઘૂસણખોરોને પ્રોત્સાહન આપતો રહ્યો અને ૧૯૮૩માં IMDT એક્ટ લાવીને તેમણે ઘૂસણખોરોને અહીં વસવાટ કરવાનો કાનૂની રસ્તો બનાવ્યો હતો.’
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, ‘આજે હું ભારત રત્ન ગોપીનાથજીને ખૂબ જ શ્રદ્ધા સાથે યાદ કરું છું, જેમણે પંડિત જવાહરલાલ નેહરુને આસામને ભારતમાં રાખવા માટે મજબૂર કર્યા હતા. જો ગોપીનાથજી ન હોત તો કદાચ આ આસામ અને આખું ઉત્તર-પૂર્વ આજે ભારતનો ભાગ ન હોત.’
ગુવાહાટીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરનાર ICCS સેન્ટરની આપશે ભેટ
ત્યારબાદ અમિત શાહ ગુવાહાટી પરત ફરશે, જ્યાં તેઓ શહેરની સુરક્ષાને મજબૂત કરવા માટે ગુવાહાટી પોલીસ કમિશનરેટની ૧૧૧ કરોડ રૂપિયાની નવી ઇમારત અને ૧૮૯ કરોડ રૂપિયાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (ICCS)નું ઉદ્ઘાટન કરશે. ICCS રાજ્યમાં સુરક્ષા અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે ગુવાહાટીમાં ૨,૦૦૦ થી વધુ CCTV કેમેરાની દેખરેખ રાખશે. શાહ સાંજે નવી દિલ્હી રવાના થતા પહેલા ગુવાહાટીમાં ૨૯૧ કરોડ રૂપિયાના જ્યોતિ બિષ્ણુ સાંસ્કૃતિક સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. આ ૫,૦૦૦ બેઠકો ધરાવતું ઓડિટોરિયમ છે.

