Amit Shah Fugitive Return: મોદી સરકારનો દાવો, 2019થી 274 ભાગેડુ ગુનેગારોને વિદેશમાંથી ભારત પરત લાવવામાં આવ્યા

Arati Parmar
4 Min Read

Amit Shah Fugitive Return: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે જણાવ્યું કે મોદી સરકારના ‘મજબૂત અને સુરક્ષિત ભારત’ના વિઝન હેઠળ 2019થી અત્યાર સુધી વિદેશ ભાગી ગયેલા 274 ગુનેગારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે UPA સરકારના સમયમાં દર વર્ષે સરેરાશ માત્ર ચાર ભાગેડુઓને જ ભારત પરત લાવવામાં આવતા હતા.

ગૃહ મંત્રાલય (MHA)એ મંગળવારે જણાવ્યું કે 2019થી 2026 દરમિયાન 36 દેશોમાંથી 274 ભાગેડુઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. તેમાં આતંકવાદીઓ, ગેંગસ્ટરો, નાણાકીય અને માદક પદાર્થો સંબંધિત ગુનેગારો તેમજ હત્યા, બળાત્કાર અને POCSO એક્ટ હેઠળના કેસોમાં વૉન્ટેડ આરોપીઓનો સમાવેશ થાય છે.

- Advertisement -

શાહે X પર પોસ્ટ કરીને જણાવ્યું, “મજબૂત અને સુરક્ષિત ભારતના વિઝન હેઠળ મોદી સરકારે વિદેશોમાં છુપાયેલા ભાગેડુઓ પર શિકંજો કસ્યો છે. તેઓ કોઈપણ દેશમાં ભાગ્યા હોય, રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ભારતના નવા અભિગમે 2019થી 274 ગુનેગારોની વાપસી સુનિશ્ચિત કરી છે, જ્યારે UPA સરકાર દરમિયાન આ સંખ્યા દર વર્ષે માત્ર ચાર હતી.”

- Advertisement -

તેમણે જણાવ્યું કે ગુનેગારો કાયદાથી બચી ન શકે તે માટે સરકારે નવા કાયદા, સંસ્થાઓ અને વૈશ્વિક ભાગીદારીઓ દ્વારા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે.

શાહે જણાવ્યું, “એ સમય હવે ગયો જ્યારે ગુનેગારો વ્યવસ્થાની ખામીઓનો લાભ લઈને સરળતાથી બચી જતા હતા. નવા ભારતે નવા કાયદા, સંસ્થાઓ અને વૈશ્વિક ભાગીદારીઓ દ્વારા જૂની વ્યવસ્થાની દરેક ખામી દૂર કરીને મજબૂત સુરક્ષા તંત્ર તૈયાર કર્યું છે.”

- Advertisement -

ટેક્નોલોજી આધારિત અભિયાનથી ભાગેડુઓ પર કાર્યવાહી

અન્ય એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું કે મોદી સરકારે વિદેશોમાં છુપાયેલા ભાગેડુઓને પકડવા માટે ઇન્ટેલિજન્સ આધારિત અને ટેક્નોલોજીની મદદથી સંચાલિત એકીકૃત અભિયાનો શરૂ કર્યા છે.

તેમણે જણાવ્યું, “મોદી સરકારે એકીકૃત, ગુપ્તચર માહિતી આધારિત અને ટેક્નોલોજી સંચાલિત અભિયાનો શરૂ કર્યા છે, જેના દ્વારા વિદેશોમાં છુપાયેલા ભાગેડુઓનો પીછો કરવામાં આવી રહ્યો છે.”

શાહે જણાવ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં આરોપીની ગેરહાજરીમાં કેસ ચલાવવાની (ટ્રાયલ ઇન એબ્સેન્ટિયા) જોગવાઈ ન્યાયવ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે. તેના કારણે ફરાર ગુનેગારો સામે તેમની ગેરહાજરીમાં પણ કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાય છે.

તેમણે જણાવ્યું કે PMLAના કડક અમલથી 17,874 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે અને 18,762 કરોડ રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે.

શાહે વધુમાં જણાવ્યું કે BHARATPOL જેવી નવી પ્રણાલીએ વિશ્વભરની એજન્સીઓ વચ્ચે વધુ સારો તાલમેલ સુનિશ્ચિત કર્યો છે અને તેના કારણે વિદેશોમાં છુપાયેલા ભાગેડુઓ સુધી પહોંચવું વધુ સરળ બન્યું છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે 2019થી 2026 દરમિયાન PMLA હેઠળ ભાગેડુ ગુનેગારોની 17,874 કરોડ રૂપિયાની સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવી છે.

મંત્રાલયે જણાવ્યું કે ભાગેડુ આર્થિક ગુનેગારો સાથે સંબંધિત કેસોમાં 18,762 કરોડ રૂપિયા પરત અપાયા છે. સાથે જ જણાવાયું કે 2022માં 40, 2023માં 100, 2024માં 107, 2025માં 112 અને 2026માં અત્યાર સુધી 182 રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી ચૂક્યા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં 501 ભાગેડુ ગુનેગારો સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.

Share This Article