Ankita Bhandari Murder Case: અંકિતા ભંડારી હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને આજીવન કેદ

Arati Parmar
2 Min Read

Ankita Bhandari Murder Case: ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં જિલ્લા કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે ત્રણેય આરોપી પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

તમામ લોકોની નજર કોર્ટના ચુકાદા પર હતી  

- Advertisement -

ત્રણ વર્ષ જૂના આ કેસમાં ફક્ત ઉત્તરાખંડ જ નહીં આખો દેશ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો. સુનાવણી દરમિયાન પોલીસે સુરક્ષા કારણોસર કોર્ટ પરિસરના 200 મીટરના ત્રિજ્યાને સીલ કરી દીધો હતો. માત્ર વકીલો, કેસ સાથે સંબંધિત પક્ષકારો અને જરૂરી સ્ટાફને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત હતી.

વર્ષ 2022માં અંકિતાની હત્યા થઈ હતી

ઋષિકેશ નજીક વંતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષીય અંકિતાની સપ્ટેમ્બર 2022માં રિસોર્ટના સંચાલક પુલકિત આર્ય અને તેના બે અન્ય કર્મચારીએ ચીલા કેનાલમાં ધક્કો મારીને હત્યા કરી હતી.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અંકિતાએ રિસોર્ટમાં ‘વીઆઈપી’ મહેમાનને ‘વધારાની સેવા’ પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો અને આના કારણે ઉદ્ભવેલા વિવાદને કારણે તેની હત્યા કરવામાં આવી હતી. પૂર્વ ભાજપ નેતાના પુત્ર આર્ય અને અન્ય બે આરોપીઓ – અંકિત ગુપ્તા અને સૌરભ ભાસ્કર હાલ જેલમાં છે.

પુલકિત આર્ય પર IPC કલમ 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ), 354A (છેડતી) અને અનૈતિક દેહ વ્યાપાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસની તપાસ માટે એક SITની રચના કરાઈ હતી, જેણે 500થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં 97 સાક્ષીઓના નામ આપવામાં આવ્યા હતા, જેમાંથી ફરિયાદ પક્ષે 47 સાક્ષીઓ રજૂ કર્યા હતા.

Share This Article