Anti Defection Law India: AAP થી અલગ થવાના નિર્ણય પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે રાજ્યસભામાં પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદોએ ભાજપમાં વિલીનીકરણ કર્યું છે, તેથી આ પગલું બંધારણની 10મી અનુસૂચિ હેઠળ પક્ષાંતર ગણવામાં આવશે નહીં. આ મામલે સિનિયર વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ પ્રકારે વિલીનીકરણ કાયદાકીય જોગવાઈની વિરુદ્ધ છે.
કપિલ સિબ્બલના શું તર્ક છે?
વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, 1985માં પક્ષાંતર ધારો આવ્યો. મર્જરના મુદ્દે સિબ્બલે કહ્યું કે કોઈ એક વ્યક્તિ કે કેટલાક સાંસદો પોતાના સ્તરે મર્જર ન કરી શકે. મર્જરનો નિર્ણય પહેલા રાજકીય પક્ષે સંગઠન સ્તરે લેવો પડે છે. આ માટે પાર્ટીની બેઠક, પ્રસ્તાવ અને ઔપચારિક નિર્ણય જરૂરી છે. સાંસદોના સ્તરે પહેલા મર્જર ન થઈ શકે.
10મી અનુસૂચિનો અપવાદ શું છે?
10મી અનુસૂચિના પેરા 4માં વિલીનીકરણનો અપવાદ આપવામાં આવ્યો છે. આ મુજબ, કોઈ સભ્યને ગેરલાયક ઠેરવવામાં આવશે નહીં જો તેની “મૂળ રાજકીય પાર્ટી” બીજી કોઈ પાર્ટીમાં વિલીનીકરણ કરી દે અને તે તે વિલીનીકરણને અનુરૂપ કાર્ય કરે. જો તે વિલીનીકરણથી અસંમત હોય, તો પણ તેને અલગ જૂથ તરીકે કામ કરવાની છૂટ મળે છે. પેરા 4(2) કહે છે કે વિલીનીકરણ ત્યારે જ માનવામાં આવશે જ્યારે સંબંધિત વિધાયક પક્ષના ઓછામાં ઓછા બે-તૃતીયાંશ સભ્યો તે વિલીનીકરણ સાથે સંમત હોય.
અદાલતના શું રહ્યા છે ફેંસલા?
સુપ્રીમ કોર્ટે 2023ના સુભાષ દેસાઈ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યપાલ મામલામાં કહ્યું હતું કે રાજકીય પાર્ટી અને વિધાયક પક્ષને એક માની શકાય નહીં. વિધાયક પક્ષને મૂળ રાજકીય પાર્ટીથી અલગ થઈને સ્વતંત્ર રીતે કામ કરવાની મંજૂરી આપવી એ પક્ષાંતર વિરોધી કાયદાના હેતુને નિષ્ફળ બનાવી દેશે.
પેરા 4 હેઠળ વિલીનીકરણ માટે મૂળ રાજકીય પાર્ટી અને વિધાયક પક્ષ વચ્ચે સ્પષ્ટ તફાવત જળવાઈ રહેવો જોઈએ. પરંતુ બોમ્બે હાઈકોર્ટની ગોવા પીઠનો ફેંસલો અલગ છે. 2019માં ગોવામાં કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યોએ ભાજપમાં વિલીનીકરણનો દાવો કર્યો હતો.
હાઈકોર્ટે 2022માં માન્યું કે જો વિધાયક પક્ષના બે-તૃતીયાંશ સભ્યો સંમત હોય, તો તે માન્ય વિલીનીકરણ હોઈ શકે છે, ભલે મૂળ પાર્ટીની મંજૂરી ન હોય. આ જ આધારે 2025માં પણ ગોવામાં કોંગ્રેસ ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણને સાચું ઠેરવવામાં આવ્યું. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

