`નેતાઓ અશોભનીય અને અપમાનજનક ટિપ્પણીઓ ન કરે’

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 8 : મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ જીતી લેવા માટે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર અભિયાન છેડીને કમર કસી લીધી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધુલેમાં સભા ગજવીને ભાજપના અભિયાનના શ્રીગણેશ કરાવ્યા હતા, તેવા સમયે જ રાજ્યના ચૂંટણી જંગમાં મહિલાઓ વિરોધી નિવેદનોથી નારાજ થતાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે નિમ્ન સ્તરના હુમલા નહીં કરવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણીપંચે શુક્રવારે મુંબઇમાં તમામ ટોચના અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનરે અનેક મહત્ત્વના નિર્દેશ આપ્યા હતા. રાજીવકુમારે મહિલાઓ વિરુદ્ધ અશોભનીય અને અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરી હતી. સાથોસાથ અધિકારીઓને અણછાજતાં નિવેદન કરનાર સામે કડક કાર્યવાહી કવરનો નિર્દેશ પણ આપ્યો હતો. ચૂંટણીપંચના વડાએ કહ્યું હતું કે, રાજકીય પક્ષો અને ઉમેદવારો, નેતાઓએ એવા કોઇ પણ કાર્ય, કાર્યવાહી, કથનથી બચવું જોઇએ, જેનાથી મહિલાઓના સન્માન, ગરિમાને નુકસાન થતું હોય. ચૂંટણીમાં હરીફ ઉમેદવારોના અપમાન કરવા માટે નિમ્ન સ્તરના વ્યક્તિગત હુમલા કે કોઇ પણ નેતા, કાર્યકરના અંગત જીવનના કોઇ પાસાંની ટીકા નહીં કરવાની તાકીદ રાજીવકુમારે કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે અધિકારીઓને એવું સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે ઉમેદવારો, નેતાઓ દ્વારા મહિલાઓમાં સન્માન, પ્રતિષ્ઠા વિરોધી અપમાનજનક ટિપ્પણીના કિસ્સામાં સમય પર અને કડક કાર્યવાહી થવી જોઇએ. હું આશા રાખું છું કે તમામ ઉમેદવાર અને નેતાઓ એ પ્રકારનું આચરણ કરશે જેનાથી તેમના ભાષણો, નિવેદનોમાં મહિલાઓ પ્રત્યે સન્માનની ઝલક દેખાય, તેવું રાજીવકુમારે કહ્યું હતું. તેમણે અધિકારીઓને નિર્દેશ આપતાં અને તેમના એજન્ટ ચૂંટણીપંચના દિશા નિર્દેશોની મર્યાદા પાળીને જ ચૂંટણી પ્રક્રિયાના તમામ ચરણોમાં સામેલ થાય, તેવું સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Share This Article