નવી દિલ્હી, તા. 26 : દેશમાં ચૂંટણીઓ ઈવીએમને બદલે મતપત્રકોથી કરાવવાની માંગ સાથેની એક અરજી ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, જ્યારે તમે હારી જાવ ત્યારે ઈવીએમમાં ચેડાં થયાં હોય અને તમે જીતી જાવ ત્યારે બધું બરાબર હોય છે. ખ્રિસ્તી પ્રચારક કે.એ. પૌલે કરેલી અરજી નકારી કાઢતાં ન્યાયાધીશ વિક્રમ નાથે એવો પણ સવાલ કર્યો હતો કે, અરજીકર્તાને આવો વિચાર ક્યાંથી આવ્યો ? ઉલ્લેખનીય છે કે, તાજેતરના વર્ષોમાં ચૂંટણીમાં હાર બાદ વિરોધ પક્ષોએ અનેકવાર ઈવીએમ પર દોષનો ટોપલો નાખ્યો છે. અરજીકર્તાએ એવી દલીલ કરી હતી કે, વિદેશોમાં મતપત્રકો મારફત ચૂંટણી થાય છે, ત્યારે સુપ્રીમે કહ્યું હતું કે, તમે શા માટે દુનિયાથી અલગ થવા માગતા નથી ? તમારી પાસે રસપ્રદ જનહિત અરજી છે.
તમને આવો વિચાર ક્યાંથી આવ્યો ? ભારતના મતદારોની સંખ્યા લગભગ 97 કરોડ છે, મોટી સંખ્યામાં ઉમેદવારો ચૂંટણી લડે છે, તેટલાં મતદાન મથકો હોય છે, ત્યારે ચૂંટણી સુધારા રદ કરવા યોગ્ય નથી. ન્યાયાધીશ નાથ અને ન્યાયાધીશ પી.બી. વરાલેની ખંડપીઠે જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણીમાં જીત મળે છે, ત્યારે ઈવીએમમાં બધું બરાબર હોય છે અને હાર મળે છે, ત્યારે ઈવીએમમાં ચેડાં થઈ જાય છે, જો આપણે ફરી મતપત્રકોથી ચૂંટણી યોજવા લાગશું તો શું ભ્રષ્ટાચાર નહીં થાય ? ઉલ્લેખનીય છે કે, પૌલે પોતાની અરજીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ ઉપરાંત અદાલત પાસે અનેક દિશાનિર્દેશોની પણ રજૂઆત કરી હતી, જેમાં ચૂંટણી દરમ્યાન કોઈ ઉમેદવાર મતદારોને નાણાં, શરાબ કે અન્ય રીતે પ્રભાવિત કરવાનો દોષી ઠરે તો તેને કમ સે કમ પાંચ વર્ષ માટે અયોગ્ય જાહેર કરવામાં આવે તેવી માંગ પણ સામેલ હતી. અરજદારે કહ્યું હતું કે, તેઓ એક એવા સંગઠનનાં અધ્યક્ષ છે જે ત્રણ લાખથી વધુ અનાથ અને 40 લાખ વિધવાઓને બચાવી ચૂક્યું છે. જેને પગલે કોર્ટે કહ્યું હતું કે, તમે આ રાજકીય ક્ષેત્રમાં કેમ આવી રહ્યાં છો? તમારું કાર્યક્ષેત્ર તો બહુ જ અલગ છે ત્યારબાદ પૉલે કહ્યું હતું કે, તેઓ 1પ0થી વધુ દેશોમાં જઈ ચૂક્યા છે.

