Assam flood cause: 14 ઓગસ્ટે જાહેર કરાયેલા એક રિપોર્ટ મુજબ, આ વર્ષે અસમમાં આવેલા પૂરે વિકરાળ રૂપ ધારણ કરવા પાછળનું કારણ આબોહવા પરિવર્તનને લીધે થયેલો ભારે વરસાદ નથી, પરંતુ ખરાબ પૂર વ્યવસ્થાપન અને પર્યાવરણીય ક્ષરણ જેવા માનવસર્જિત પરિબળો હતા. આમાં નદીઓના કિનારે પાકા તટબંધોનું નિર્માણ જેવા પગલાં સામેલ છે
આ રિપોર્ટને વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન (WWA) સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો છે. WWA એક આંતરરાષ્ટ્રીય જૂથ છે, જે એ અભ્યાસ કરે છે કે હવામાનની ચરમસીમાની ઘટનાઓમાં આબોહવા પરિવર્તનની કેટલી ભૂમિકા છે. જોકે આ રિપોર્ટ હજુ પીઅર-રિવ્યૂ થયો નથી, પરંતુ તેમાં પીઅર-રિવ્યૂ કરાયેલી હવામાન સંબંધી એટ્રિબ્યુશન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પૂર સામે નિપટવાની વ્યૂહરચનામાં પૂર પ્રભાવિત વિસ્તારોને ફરીથી પ્રાકૃતિક સ્થિતિમાં લાવવા, વેટલેન્ડનું સંરક્ષણ અને સ્થાનિક સ્તરે શરૂઆતી ચેતવણી પ્રણાલી સાથે આપત્તિ જોખમ વ્યવસ્થાપનને મજબૂત કરવાનું સામેલ હોવું જોઈએ.
આબોહવા પરિવર્તનની કોઈ સ્પષ્ટ અસર નહીં
આ વર્ષે જૂન અને જુલાઈમાં અસમમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી છે. અત્યાર સુધી આશરે 100 લોકોના જીવ જઈ ચૂક્યા છે અને લગભગ 45,000 હેક્ટર કૃષિ જમીન જળમગ્ન થઈ છે. પૂરના કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. અંદાજો મુજબ, પૂરથી 1.5 લાખથી લઈને 7 લાખ સુધીના લોકો વિસ્થાપિત થઈ શકે છે.
આજે હવામાનની ચરમસીમાની ઘણી ઘટનાઓ બનવાની શક્યતા માનવ-સર્જિત આબોહવા પરિવર્તનના કારણે વધી ગઈ છે. ઉદાહરણ તરીકે, ઓછા સમયમાં અસાધારણ રીતે ભારે વરસાદ થવો એ આબોહવા પરિવર્તનું એક ઉદાહરણ છે.
આ શોધવા માટે કે આ વર્ષે અસમમાં આવેલા પૂર પાછળ માનવ-સર્જિત આબોહવા પરિવર્તનની ભૂમિકા હતી કે નહીં; ભારત, સ્વીડન, નેધરલેન્ડ, બ્રિટન અને અમેરિકાના WWA સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ ભારતીય હવામાન વિભાગ (IMD) સહિતના વિવિધ સ્રોતોના અવલોકન સંબંધી આંકડા, ઐતિહાસિક હવામાન રેકોર્ડ અને આબોહવા મોડેલોનું વિશ્લેષણ કર્યું.
વૈજ્ઞાનિકોએ જૂન-જુલાઈ-ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસમાં થયેલા મહત્તમ વરસાદ અને જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 30 દિવસમાં થયેલા મહત્તમ વરસાદ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
અભ્યાસમાં ઉપરી અસમમાં બ્રહ્મપુત્રા નદી અને તેની સહાયક નદીઓના કેચમેન્ટ વિસ્તારોની સાથે સાથે પાડોશી નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશના વિસ્તારોને પણ સામેલ કરવામાં આવ્યા.
ટીમે શોધ્યું કે આ મહિનાઓમાં ઉપરી અસમમાં થયેલો વરસાદ અસાધારણ નહોતો. કોઈપણ વર્ષે આટલો વરસાદ થવાની શક્યતા આશરે 67% હતી અને આ સ્તરનો વરસાદ દર 1.5 વર્ષમાં એક વાર થવાની આશા રાખી શકાય છે. આ વાત રિપોર્ટના લેખકોમાં સામેલ ઈમ્પીરીયલ કોલેજ લંડનના સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટલ પોલિસીના વૈજ્ઞાનિક મરિયમ ઝકારિયાએ કહી.
13 ઓગસ્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં ઝકારિયાએ કહ્યું, ‘જ્યારે અમે અવલોકન સંબંધી પરિણામોને આબોહવા મોડેલો સાથે મેળવીને જોયા, તો બંને પ્રકારની ઘટનાઓમાં પણ આબોહવા પરિવર્તનો કોઈ સ્પષ્ટ સંકેત મળ્યો નથી. જોકે, અમે એ વાત પર ભાર મૂકવા માગીશું કે ગરમ થતા વાતાવરણમાં સામાન્ય રીતે વધુ ભેજ રહેવાની અને વરસાદ સ્વરૂપે તેના ખાબકવાની શક્યતાને જોતા આ વિસ્તારમાં અત્યંત વરસાદને નિયંત્રિત કરતી પ્રક્રિયાઓ પર વધુ સંશોધનની જરૂર છે.’
માનવસર્જિત પ્રવૃત્તિઓ અને ખરાબ વહીવટ
ટીમે અસમમાં પૂરના જોખમ અને તેની અસરને પ્રભાવિત કરનારા પરિબળો પર ઝડપથી આકલન પણ કર્યું. આમાં લોકોની પૂર પ્રત્યેની સંવેદનશીલતા, પૂરના સપડાઈ જવાનું જોખમ અને તેની સામે નિપટવાની ક્ષમતાને જોવામાં આવી.
રિપોર્ટના લેખકોમાં સામેલ રેડ ક્રોસ રેડ ક્રિસેન્ટ ક્લાઇમેટ સેન્ટરના સ્નેહા ગાંગુલીએ કહ્યું, ‘આ ઘટના પાછળ કેટલાય એવા પરિબળો હતા, જે પૂરના હવામાન સંબંધી કારણોથી પણ આગળ હતા.’
ટીમે શોધ્યું કે આ આપત્તિની વ્યાપક અસર મુખ્ય રૂપે કેટલાય અન્ય માનવસર્જિત પરિબળો સાથે જોડાયેલી હતી. આમાં સંસ્થાનવાદી દોરના જમીન સંબંધી નિયમો, વિસ્થાપન, જમીનનું ક્ષરણ અને પૂર સામે બચાવના પૂરતા ઉપાયોનો અભાવ સામેલ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું, ‘જમીનના ઉપયોગમાં ફેરફારથી પ્રાકૃતિક રીતે મોજૂદ જોખમ ઘણું વધી જાય છે. 35 અભ્યાસોની સમીક્ષાથી ખબર પડે છે કે અસંતોષકારક શહેરીકરણ, જંગલોની કટાઈ, ખરાબ જળ નિકાસ, પૂર વ્યવસ્થાપનના અપર્યાપ્ત માળખાકીય ઉપાયો અને માનવ પ્રવૃત્તિઓથી થયેલા અન્ય બદલાવો હવે પૂરની આવૃત્તિને સમજાવવામાં પ્રાકૃતિક વરસાદમાં થતા ઉતાર-ચઢાવ કરતા વધુ મહત્વપૂર્ણ છે. આ બદલાવોના કારણે વેટલેન્ડ્સ નષ્ટ થઈ છે, નદીના કિનારાનું ધોવાણ વધ્યું છે અને પ્રાકૃતિક જળ નિકાસ વ્યવસ્થા બાધિત થઈ છે. આનાથી પૂરની ગંભીરતા અને નીચાણવાળા વિસ્તારો પર તેની અસર વધી ગઈ છે.
ગાંગુલીએ કહ્યું કે અસમે તટબંધો, શહેરોની સુરક્ષા માટેની દીવાલો, રસ્તા-સહ-તટબંધો અને વેટલેન્ડ્સના પુનરુદ્ધાર જેવા માળખાકીય પૂર નિયંત્રણ ઉપાયોમાં મોટા પાયે રોકાણ કર્યું છે. જોકે, મજબૂત તટબંધો અને કોંક્રિટ આધારિત ઈજનેરી પર નિર્ભરતા એકલી પૂર સામે નિપટવા માટે પૂરતી નથી.
‘નદીઓને નિયંત્રિત કરવાને બદલે તેમની સાથે કામ કરો’
ગાંગુલીએ કહ્યું, ‘તેથી ભવિષ્યમાં પૂર સામે નિપટવાની વ્યૂહરચનામાં નદીઓને નિયંત્રિત કરવાને બદલે તેમની સાથે કામ કરવા પર વધુ ધ્યાન આપવું પડશે. આના માટે લક્ષિત ઈજનેરી ઉપાયો સાથે પૂરના મેદાનોને પ્રાકૃતિક સ્થિતિમાં પાછા લાવવા, વેટલેન્ડ્સનું સંરક્ષણ, પૂર પ્રભાવિત વિસ્તારોમાં બાંધકામ ઘટાડવું, શ્રેષ્ઠ જળ નિકાસ અને સમુદાયોની તૈયારીઓને જોડવી પડશે.’
ઈમ્પીરીયલ કોલેજ લંડનના સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટલ પોલિસીમાં ક્લાઇમેટ સાયન્સના પ્રોફેસર ફ્રીડેરિકે ઓટોએ એક નિવેદનમાં કહ્યું, ‘આબોહવા પરિવર્તન મોટાભાગના ભારતીયો માટે જીવન મુશ્કેલ બનાવી રહ્યું છે, પરંતુ દરેક આપત્તિ આબોહવા પરિવર્તનના કારણે નથી હોતી. અસમમાં આવેલા વિનાશક પૂર પાછળ અત્યંત માનવસર્જિત જોખમ, પર્યાવરણીય ક્ષરણ અને પાયાના માળખાની મર્યાદાઓ મુખ્ય કારણો હતા.’

