નવી દિલ્હી, તા. 16 : 370મી કલમ હટયા બાદ જમ્મુ-કાશ્મીરમાં પ્રથથમવાર ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરતાં કહ્યું હતું કે જેમાં જમ્મુ કાશ્મીરમાં 18, 25 સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરે ત્રણ તબક્કામાં અને હરિયાણામા એક જ તબક્કામાં પહેલી ઓકટોબરે મતદાન યોજાશે. ચૂંટણીની જાહેરાત માટે મુખ્ય ચુંટણી અધિકારી રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં ચૂંટણીપંચે કરેલી જાહેરાત અનુસાર જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના મતદાન થશે.

બન્ને રાજ્યાના મતની ગણતરી એકસાથે 4 ઓક્ટોબરના કરવામાં આવશે. રાજીવ કુમારે કહ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણી વિશ્વસ્તરે સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા હતી. જે સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. પહેલી વખત દુનિયામાં સૌથી વધુ મતદાન થયું હતું. ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, તેઓએ હાલમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણાનો પ્રવાસ કર્યો હતો અને તૈયારીની સમીક્ષા કરી હતી. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માગતા હતા. લોકો ઈચ્છે છે કે કાશ્મીરમાં બને તેટલી ઝડપથી ચૂંટણી થાય. લોકસભા ચૂંટણીમાં કાશ્મીરના મતદાન કેન્દ્રોએ કતાર પુરાવો છે કે લોકો બદલાવ માગે છે અને બદલાવની પ્રક્રિયાનો હિસ્સો બનીને પોતાનો અવાજ ઉઠાવવા માગે છે.
કાશ્મીરમાં લોકો પોતાના નસીબ પોતે લખવા માગે છે. તેઓએ લોકસભામાં બુલેટને બદલે બેલેટ પસંદ કર્યું હતું. રાજીવ કુમારે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા ક્ષેત્ર છે, જેમાં 74 સામાન્ય, એસસી-7 અને એસટી-9 છે. જમ્મુ કાશ્મીરમાં કુલ 87.09 લાખ મતદાતા હશે, જેમાં 44.46 લાખ પુરુષ, 42.62 લાખ મહિલાઓ સામેલ છે. 3.71 લાખ પહેલી વખતના મતદાતા અને 20.7 લાખ યુવા મતદાતા છે. 19 ઓગસ્ટના રોજ અમરનાથ યાત્રા સમાપ્ત થશે અને અંતિમ મતદાતા યાદી પણ 20 ઓગસ્ટના પ્રકાશિત થઈ જશે. બીજી તરફ હરિયાણામાં કુલ 90 વિધાનસભા ક્ષેત્ર છે, જેમાં 73 સામાન્ય, 17 એસસી બેઠક છે. હરિયાણામાં 2.01 કરોડ મતદાતા છે, જેમાં 1.06 કરોડ પુરુષ અને 0.95 કરોડ મહિલા સામેલ છે.
હરિયાણાની વર્તમાન સરકારનો કાર્યકાળ 3 નવેમ્બર 2024ના પૂરો થઈ રહ્યો છે. જ્યારે કાશ્મીરમાં દસ વર્ષ બાદ ચૂંટણી થશે કારણ કે 2014માં થયેલી વિધાનસભા ચૂંટણી બાદ બનેલી પીડીપી-ભાજપની ગઠબંધન સરકાર જૂન 2018મા પડી ભાંગી હતી. – મહારાષ્ટ્રમાં ચૂંટણીનું એલાન કેમ નહીં ? : નવી દિલ્હી, તા. 16 : ચૂંટણી પંચે કહ્યું હતું કે, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં એકસાથે ચૂંટણી કરાવવામાં આવી રહી છે પણ મહારાષ્ટ્રમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને બાદમાં ચૂંટણી થશે. પંચે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચોમાસું ચાલી રહ્યું છે, જેનાથી મતદાર યાદીની કામગીરી બાકી છે. આ ઉપરાંત પિતૃપક્ષ, દિવાળી અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો પણ આવી રહ્યા છે.
આયોગે સ્પષ્ટ કર્યું હતું કે, બંધારણ હેઠળ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે. મહિના પહેલાં ચૂંટણી કરાવી શકાય છે અને તે આયોગનો વિશેષાધિકાર છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરના પૂરો થઈ રહ્યો છે. પેટાચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે 47 પેટાચૂંટણી થવાની છે. જેમાં 46 વિધાનસભા અને એક લોકસભા સીટ સામેલ છે. છ મહિનાની અવધિમાં તમામ ખાલી બેઠક માટે પેટાચૂંટણી કરાવી લેવામાં આવશે.

