Aviation Regulatory Rules: દેશમાં પહેલીવાર એવિએશન રેગ્યુલેટર એક એવો નિયમ બનાવવા પર કામ કરી રહ્યું છે, જેમાં ૧૯ સીટર સુધીના નાના વિમાનોને લાયસન્સ વગરના (અનકંટ્રોલ્ડ) રનવે પરથી પણ ટેક-ઓફ અને લેન્ડ કરાવી શકાશે. આ નિયમ તે જ રીતે આ વિમાનોને ઓપરેટ કરવા માટે કામ કરશે, જે રીતે બારામતી એર સ્ટ્રીપ પર ૨૮ જાન્યુઆરીની સવારે અનકંટ્રોલ્ડ એર સ્ટ્રીપ પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના પ્લેનનું લેન્ડિંગ કરાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તે ક્રેશ થયું હતું અને તેમાં સવાર પવાર સહિત તમામ પાંચ લોકોના મોત થયા હતા.
આફ્રિકા સહિત અનેક દેશોમાં કેમ મળી છે પરમિશન?
એવિએશન સૂત્રોએ જણાવ્યું કે, આમ તો દુનિયામાં આફ્રિકા સહિત અનેક દેશોમાં આ પ્રકારે નાના પેસેન્જર એરક્રાફ્ટને અનકંટ્રોલ્ડ એર સ્ટ્રીપથી ઓપરેટ કરવાની પરવાનગી મળી છે. પરંતુ સૂત્રો ભારત વિશે એવું પણ કહે છે કે અહીંનો મુદ્દો અલગ છે. અહીં ઘણીવાર નાની એરલાઇન્સ ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ની આ છૂટનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી સુરક્ષાને દાવ પર લગાવી શકે છે, જે મોટા અકસ્માતનું કારણ બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે નવા ભારતીય વાયુયાન નિયમો હેઠળ આ નવા રૂલ બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. તેને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પબ્લિક ડોમેનમાં મૂકવા સહિતની અન્ય અનેક કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે. ત્યારબાદ જ આ નવો નિયમ લાગુ થઈ શકે છે.
૧૯ સીટર પ્લેનને નહીં લેવી પડે મંજૂરી, જાણો કેમ
સૂત્રોનું કહેવું છે કે જો આ નિયમો લાગુ થશે, તો ૧૯ સીટર સુધીના પેસેન્જર પ્લેનને દિલ્હી અને મુંબઈ જેવા કોઈ લાયસન્સ ધરાવતા એરપોર્ટ પર પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. અનકંટ્રોલ્ડ એર સ્ટ્રીપ પર આ એરલાઇન્સ પોતાના જોખમે પોતાના એરક્રાફ્ટને ટેક-ઓફ અને લેન્ડ કરાવી શકશે. આમાં મુસાફરોની સુરક્ષાની પૂરી જવાબદારી એરલાઇન્સ અને અંતે પાઈલટો પર રહેશે, જેઓ ફાયર, એમ્બ્યુલન્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ વગરની એર સ્ટ્રીપ પર વિમાનો ઉતારવાનું જોખમ ઉઠાવશે. ભારતમાં આ નિયમો પર ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. આમાં એરલાઇન્સ મુસાફરોની ઓનલાઇન બુકિંગ ઉપરાંત સ્થળ પર જ આવેલા મુસાફરોને ટિકિટ આપીને તેમને વિમાનમાં બેસાડી શકશે.

