Beed Women Uterus Removal Case: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માનવતા શર્મસાર, રોજીરોટી માટે ગરીબ મહિલાઓએ ગર્ભાશય કઢાવવાની ભયાનક વાસ્તવિકતા

Arati Parmar
7 Min Read
Beed Women Uterus Removal Case

Beed Women Uterus Removal Case: આજના ડિજિટલ અને આધુનિક યુગમાં જ્યાં આપણે વૈશ્વિક મંચ પર મહિલા સશક્તિકરણ, સમાનતા અને નારી ગૌરવની મોટી-મોટી ગુલબાંગો હાંકી રહ્યા છીએ, ત્યાં દેશના જ એક ખૂણામાંથી આવેલો એક તાજેતરનો અહેવાલ કોઈપણ સંવેદનશીલ માણસના આત્માને ધ્રુજાવી મૂકે તેવો છે. મહારાષ્ટ્રના બીડ (Beed) જિલ્લામાંથી સામે આવેલી આ હૃદયદ્રાવક ઘટના કોઈ સામાન્ય મેડિકલ કટોકટી નથી, પરંતુ આઝાદ ભારતના ઇતિહાસ પર એક કાળો ડાઘ છે. અહીં માત્ર બે ટંકની રોજી-રોટી કમાવવા અને આર્થિક શોષણમાંથી બચવા માટે સેંકડો લાચાર મહિલાઓએ ઓપરેશન કરાવીને પોતાનું ગર્ભાશય ગુમાવવું પડી રહ્યું છે. દેશની ઉચ્ચતમ તપાસ એજન્સીઓ અને માનવાધિકાર સંગઠનો માટે આ વિષય અત્યંત ગંભીર અને સળગતો સવાલ બની ગયો છે.

વર્ષ 2024ના આંકડા જોઈને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિની આત્મા ધ્રુજી જશે

આ અમાનવીય કૌભાંડ અને ક્રૂરતા પાછળના જે આંકડા સામે આવ્યા છે તે આધુનિક સમાજની વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. સત્તાવાર અહેવાલ મુજબ, માત્ર વર્ષ 2024ના એક જ વર્ષમાં શેરડીની કાપણીની સીઝન શરૂ થાય તે પહેલાં જ બીડ જિલ્લાની 843 ગરીબ મહિલાઓનું ગર્ભાશય (Uterus) ઓપરેશન કરીને શરીર વેરવિખેર કરી નાખવામાં આવ્યું હતું. આથી પણ વધુ આઘાતજનક બાબત એ છે કે, આ ભયાનક આંકડામાંથી 477 યુવતીઓ તો માત્ર 30 થી 35 વર્ષની નાની ઉંમરની હતી, જેઓ હજુ માંડ પોતાનું જીવન શરૂ કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે એકલા બીડ જિલ્લામાંથી અંદાજે પોણા બે લાખ (1.75 લાખ) જેટલા અત્યંત ગરીબ મજૂરો પલાયન કરીને પશ્ચિમ મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં શેરડી કાપવાની મજૂરી કરવા માટે જાય છે.

- Advertisement -

પીરિયડ્સ અને ગર્ભાવસ્થાને કામમાં અવરોધ ગણતી મુકદમોની ક્રૂર નીતિ

આ ક્રૂર અને અમાનવીય ઓપરેશન્સ પાછળની વાસ્તવિકતા ગરીબીની અત્યંત કડવી અને નગ્ન સત્યતા બતાવે છે. શેરડીની કાપણીના ક્ષેત્રોમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો (જે સ્થાનિક ભાષામાં મુકદમ તરીકે ઓળખાય છે) ના નિયમો માનવતા વિહોણા હોય છે. આ લોબી દ્વારા મહિલાઓના માસિક ધર્મ (Periods) કે ગર્ભાવસ્થા (Pregnancy) ને કામમાં મોટો નડતરરૂપ અવરોધ માનવામાં આવે છે. મુકદમનો કાયદો એટલો કડક અને જુલમી હોય છે કે જો કોઈ મહિલા પીરિયડ્સના અસહ્ય દુખાવા કે શારીરિક તકલીફના કારણે એક દિવસ પણ કામ પર ન જાય અને રજા રાખે, તો આખા કપલ (પતિ-પત્ની બંને)નો તે આખા દિવસનો પગાર કાપી લેવામાં આવે છે. આટલું જ નહીં, તેમની પર મોટો આર્થિક દંડ પણ ફટકારવામાં આવે છે. આ આર્થિક મજબૂરી અને ભારે દંડના ડરથી બચવા માટે, મજૂર પરિવારો પ્રાઇવેટ ક્લિનિક્સના ભ્રષ્ટ તબીબો પાસે ગુપચુપ રીતે ગર્ભાશય કઢાવવાના ઓપરેશનો કરાવી લે છે. આ પરિસ્થિતિ જોતા મોટો સવાલ એ થાય છે કે શું આ ઓપરેશનો ખરેખર તબીબી રીતે જરૂરી હતા, કે પછી ગરીબી અને લાચારીનો ગેરફાયદો ઉઠાવીને આ કૃત્રિમ મજબૂરી ઊભી કરવામાં આવી છે?

મહારાષ્ટ્રનું રાજકારણ, શરદ પવાર અને પાવરફુલ સુગર લોબીની દાદાગીરી

મહારાષ્ટ્રની આ કમનસીબ કરુણાંતિકા પાછળ ત્યાંનું રાજકારણ અને અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી શક્તિશાળી ‘સુગર લોબી’ (ખાંડ સહકારી મંડળીઓ અને કારખાનાના માલિકો) સીધી રીતે જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મહારાષ્ટ્રનું પ્રાદેશિક રાજકારણ દાયકાઓથી ખાંડના મોટા કારખાનાઓ અને તેના માલિકોના ઈશારે જ ચાલતું આવ્યું છે. શરદ પવાર જેવા દેશના દિગ્ગજ અને વરિષ્ઠ નેતાઓથી લઈને રાજ્યના અસંખ્ય મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને શાસક-વિપક્ષના ધારાસભ્યો આ સુગર કો-ઓપરેટિવ્સ પર સીધું અને મજબૂત વર્ચસ્વ ધરાવે છે. મહારાષ્ટ્રની સત્તાની અસલી ચાવી હંમેશા આ સુગર લોબીના ખિસ્સામાં જ રહે છે. ચૂંટણીઓ જીતવા અને સત્તા મેળવવા માટે આ લોબી પાણીની જેમ અબજો રૂપિયા વહાવે છે, પરંતુ આ જ ખાંડ મિલોને પોતાના લોહી અને પરસેવાથી સીંચનારા ગરીબ મજૂરોના સ્વાસ્થ્ય માટે ત્યાં કોઈ માનવતા કે કાયદો બચ્યો નથી. પ્રબળ આશંકા છે કે આ શક્તિશાળી નેતાઓ અને માલેતુજાર ઉદ્યોગપતિઓના છૂપા આશીર્વાદ વિના પ્રાઇવેટ ક્લિનિકના લાલચુ તબીબો આટલા મોટા પાયે ગેરકાયદેસર અને અમાનવીય ઓપરેશનો કરવાની હિંમત ક્યારેય ન કરી શકે. આ મૂડીવાદીઓ અને રાજકારણીઓનું એવું ભ્રષ્ટ ગઠબંધન છે જે ગરીબોના શરીરને પણ માત્ર નફો કમાવવાનું સાધન સમજે છે.

- Advertisement -

શ્રીલંકાના એ કાળા ધાર્મિક કાંડની યાદ તાજી થઈ

મહારાષ્ટ્રના બીડ જિલ્લાની આ ભયાનક ઘટના આપણને ભૂતકાળમાં શ્રીલંકામાં બનેલા એ કાળા અને હૃદયદ્રાવક કાંડની યાદ અપાવે છે, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. શ્રીલંકામાં એક કટ્ટરપંથી ડૉક્ટરે હજારો હિન્દુ અને બૌદ્ધ મહિલાઓની જાણ બહાર, સામાન્ય ચેકઅપ કે અન્ય નાના ઓપરેશનના બહાને તેમની ફેલોપિયન ટ્યુબ કાપી નાખી હતી એટલે કે તેમની ગુપ્ત રીતે નસબંધી કરી દીધી હતી. પોલીસ ધરપકડ બાદ એ નરાધમ ડૉક્ટરે કબૂલ્યું હતું કે તે એક ચોક્કસ સમુદાયની વસ્તી નિયંત્રણ કરવા માંગતો હતો. શ્રીલંકામાં એ મોટું કાવતરું ધાર્મિક અને વસ્તી વિષયક સંતુલન બગાડવાનું હતું, જ્યારે મહારાષ્ટ્રના શેરડીના ખેતરોમાં રમાતો આ ખેલ માત્ર નફાખોરી, આર્થિક શોષણ અને મૂડીવાદનો છે. આ બંને કિસ્સાઓમાં ભોગ તો આખરે એક લાચાર, ગરીબ અને વંચિત સ્ત્રીએ જ બનવું પડ્યું છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.

આ દેશનો આર્થિક વિકાસ છે કે આધુનિક ગુલામીનો નવો ચહેરો?

અમેરિકા, યુરોપ અને એશિયાના અનેક દેશો સુધી કરોડો ટન ખાંડની નિકાસ કરનારી આ હાઈટેક મિલોના માલિકો, નેતાઓ અને બિલ્ડરો આલિશાન બંગલાઓમાં રહે છે અને વૈભવી ગાડીઓમાં ફરે છે. બીજી તરફ, આ જ દેશની દીકરીઓ અને બહેનોએ માત્ર એક દિવસની મજૂરી ન કપાય અથવા દંડ ન ભરવો પડે તે માટે પોતાના શરીરના મહત્વના અંગો હંમેશા માટે ગુમાવવા પડે છે. વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે આ પરિસ્થિતિ આધુનિક ગુલામીનો અસલી ચહેરો ઉજાગર કરે છે. આ ભયાનક નેક્સસ જેમાં નકાબપોશ નેતાઓ, ખાંડના ઉદ્યોગપતિઓ અને લાલચુ ડૉક્ટરો સામેલ છે, તેની સામે દેશની સર્વોચ્ચ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જ જોઈએ. આ સંવેદનશીલ મુદ્દો ફેસબુક કે સોશિયલ મીડિયા પર માત્ર લાઈક કે શેર કરવા પૂરતો સીમિત નથી, પરંતુ આ આપણા દેશની ન્યાય વ્યવસ્થા અને શાસનતંત્રના વરવા ચહેરા પર એક જોરદાર તમાચો છે.

- Advertisement -

આ પણ વાંચો: Global Energy Crisis: વૈશ્વિક યુદ્ધના એંધાણ વચ્ચે પીએમ મોદીની મોટી ચેતવણી, ‘જો સ્થિતિ નહીં બદલાય તો દાયકાઓની મહેનત પર ફરી વળશે પાણી’ – Newz Cafe

Share This Article