નવીદિલ્હી, તા.29: દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં શનિવારે રાતે ભારે વરસાદનાં કારણે આઇએએસ કોચિંગ સેન્ટરનાં ભોંય તળિયામાં પાણી ભરાઈ જતાં ત્રણ છાત્રનાં મૃત્યુની ઘટનામાં પોલીસ વધુ પાંચ લોકો મળીને કુલ સાતની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં બેઝમેન્ટના માલિકનો પણ સમાવેશ થાય છે. દરમિયાન આજે સંસદમાં પણ આ ઘટનાની ગુંજ સંભળાઈ હતી અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, આમાં બેદરકારી તો દાખવાઈ જ છે. કોઈકે તો આનો જવાબ આપવો જ પડશે.

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કોચિંગ સેન્ટરને `ગેસ ચેમ્બર’ની ઉપમા આપી હતી જ્યારે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે આપ સરકાર પર પ્રહાર કર્યા હતા. દરમ્યાન, દિલ્હીના એલજીએ મૃતકોના પરિજનોને વળતર પેટે 10 લાખ રૂા. આપવાની જાહેરાત કરી હતી. આ ઘટનાની એફઆઇઆરમાં વોટર ડ્રેનેજ સિસ્ટમ સંભાળનારાઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ સાથે એમસીડીએ ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં દબાણ હટાવની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. જેમાં દબાણ હટાવવા માટે બુલડોઝર દોડાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ પહેલા રવિવારની રાત સુધીમાં 13 કોચિંગ સેન્ટરને સીલ પણ મારવામાં આવ્યા હતા. દરમિયાન, આજે આ મામલો સંસદમાં પણ પડઘાયો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધમેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં આ ઘટના વિશે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, દેશ જ્યારે વિશ્વશક્તિ તરીકે ઉપસી રહ્યો છે ત્યારે દેશની રાજધાનીમાં આવી ઘટના આપણા માટે ચિંતાજનક છે.
આ ઘટના માટે ખેદ પ્રગટ કરવાથી તેની ભરપાઈ થવાની નથી. પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. આવી ઘટના ફરીથી ન બને તે આપણા સૌની જવાબદારી બને છે. આમાં બેદરકારી તો દાખવાઈ છે અને કોઈને કોઈએ તો તેનો જવાબ આપવો જ પડશે. ભાજપના સુધાંશુ ત્રિવેદીએ આ ઘટનાને રાજ્ય સરકારની અપરાધિક બેદરકારી ગણાવીને વિગતે તપાસ યોજીને જવાબદારી નક્કી કરવાની માગણી કરી હતી. આપના સભ્ય સંજય સિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે અવનવા કાયદા ઘડીને આપ સરકારના હાથ-પગ બાંધી દીધા છે આના કારણે અધિકારીઓ પર પણ રાજ્ય સરકારનું નિયંત્રણ રહ્યું નથી. લોકસભામાં કૉંગ્રેસ અને ભાજપે આ મામલે તપાસની માગ કરી હતી. શૂન્યકાળમાં ભાજપનાં સભ્ય બાંસુરી સ્વરાજે દિલ્હીની આપ સરકારને નિશાને લેતા આ મામલાને અપરાધિક બેદરકારી ગણાવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કમિટી બનાવીને આ મામલે તપાસ કરવી જોઇએ એવી માગ બાંસુરીએ કરી હતી.

