Birth Death Certificate Name Correction: જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ અંગે થતા સુધારા-વધારા બાબતે સરકારે એક મહત્વની સ્પષ્ટતા આપી છે. અગાઉ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા રદ કરી તેની જગ્યાએ નવી માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રારને સૂચના આપવામાં આવી છે. નવા પરિપત્ર મુજબ બાળકના જન્મના દાખલામાં જૈવિક પિતાનું નામ દૂર કરી શકાશે નહીં અને પિતાના નામની કોલમમાં તેમનું નામ ફરજિયાત રહેશે. જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં નામ, અટક તથા વાલીના નામમાં થતા ફેરફારો અને સુધારાઓને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉની માર્ગદર્શિકામાં રહેલા અસ્પષ્ટ અર્થઘટનને કારણે નાગરિકો અને તંત્ર સમક્ષ ઊભી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જૂની એડવાઇઝરી રદ કરવામાં આવી છે અને તેની જગ્યાએ નવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે. આ નવા નિયમો અંતર્ગત રાજ્યના તમામ રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રારને કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
જૈવિક પિતાનું નામ દૂર કરવા અંગે પ્રતિબંધ
નવા પરિપત્ર અનુસાર, બાળકના જન્મના દાખલામાંથી જૈવિક પિતાનું નામ કોઈપણ સંજોગોમાં દૂર કરી શકાશે નહીં. જન્મ નોંધણી પત્રક કે પ્રમાણપત્રમાં પિતાના નામની નિર્ધારિત કોલમમાં તેમનું નામ ફરજિયાતપણે જાળવી રાખવાનું રહેશે. જોકે, પરિવારની આંતરિક કે પારિવારિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નામની ગોઠવણી અથવા અન્ય વિગતો બાબતે કેટલાક ખાસ વિકલ્પો પૂરા પાડવામાં આવ્યા છે.
માતાનું નામ અને અટક લખાવવાની શું છે પ્રક્રિયા
જો માતા અને પિતા બંને બાળક સાથે રહેતા હોય અને પિતા તરફથી લેખિત સંમતિ રજૂ કરવામાં આવે, તો જરૂરી સત્તાવાર દસ્તાવેજોના આધારે બાળકના નામની પાછળ માતાનું નામ તેમજ અટક જોડવાની છૂટ આપવામાં આવી છે. જે કિસ્સાઓમાં માતા-પિતા છૂટાછેડા લઈ ચૂક્યા હોય અને બાળકની કસ્ટડી કાયદેસર રીતે માતા પાસે હોય, ત્યાં માત્ર કોર્ટના અંતિમ હુકમમાં કે આદેશમાં આ અંગેની સ્પષ્ટ નોંધ કે નિર્દેશ હોય તો જ માતાનું નામ અને અટક ઉમેરવાની મંજૂરી મળશે. નિયમો મુજબ બાળકના નામમાં પ્રથમ અટક, ત્યારબાદ મુખ્ય નામ અને અંતમાં પિતાનું નામ રાખવાની સુવિધા પણ સત્તાવાર દસ્તાવેજોની ચકાસણી બાદ ઉપલબ્ધ રહેશે.
મધ્યમ નામ (Middle Name) રાખવાનો સ્વૈચ્છિક વિકલ્પ
જન્મ તેમજ મરણના પ્રમાણપત્રોમાં પિતા અથવા પતિનું નામ તેમજ અટકને મધ્યમ નામ તરીકે રાખવું કે નહીં તે સંપૂર્ણપણે અરજદાર પર નિર્ભર રહેશે. આ બાબતને વૈકલ્પિક રાખવામાં આવી છે. જો કોઈ નાગરિક મધ્યમ નામ તરીકે પિતા/પતિનું નામ કે અટક દર્શાવવા માંગતા ન હોય, તો તે પણ કાયદેસર રીતે શક્ય બનશે.
સુધારા માટે શું છે જરૂરી દસ્તાવેજો અને પુરાવા?
પ્રમાણપત્રમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કે નામ સુધારો કરવા માટે સરકારી ગેઝેટનું પ્રકાશન, માન્ય ઓળખકાર્ડ જેવા કે પાનકાર્ડ કે અન્ય જરૂરી સત્તાવાર દસ્તાવેજોના આધારે જ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા આ માર્ગદર્શિકાના ચુસ્ત અમલથી જન્મ-મરણના દાખલા મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે તેવી અપેક્ષા છે.

