નવી દિલ્હી, તા. 23 : કેન્દ્ર સરકારે 1પ6 જેટલી દવાઓ પર પ્રતિબંધ લાદ્યો છે જે કોકટેલ (વિવિધ દવાનું મિશ્રણ) દવાઓ છે અને મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. પ્રતિબંધિત દવાઓમાં વાળ લાંબા કરવા માટેની, સ્કિનકેર, પેનકિલર, મલ્ટીવિટામીન સહિત દવાઓ સામેલ છે.

આ દવાઓને ફિકસ્ડ ડોઝ કોમ્બિનેશન દવાઓ કહેવામાં આવે છે કારણ કે તેમાં એક જ દવામાં એકથી વધુ દવાનું મિશ્રણ મળી જાય છે. સૂચિમાં એસિક્લોફેનેક 50 એમજી + પેરાસિટામોલ 125 એમજી, મેફેનેમિક એસિડ + પેરાસિટામોલ ઇન્જેક્શન, સેટ્રિઝાઇન એચસીઆઇ + પેરાસિટામોલ + ફિનિલફ્રાઇન એચસીઆઇ સહિતના સંયોજનની દવાઓ પર પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામામાં કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે આ દવાઓ જોખમકારક બની શકે છે. આ દવાઓના સુરક્ષિત વિકલ્પ બજારમાં ઉપલબ્ધ છે. દેશની અનેક નામી ફાર્મા કંપનીઓ આવી દવાઓનું ઉત્પાદન કરે છે અને આ પ્રતિબંધની તેમના પર અસર થશે.

