Iran Oil Tanker Seized Mumbai: સેન્સર બંધ કરી પાકિસ્તાન સીમામાં ૮ દિવસ ઘૂમતું રહ્યું ઈરાન સાથે જોડાયેલું તેલ ટેન્કર, ભારત આવતા જ થઈ મોટી કાર્યવાહી

Arati Parmar
3 Min Read

Iran Oil Tanker Seized Mumbai: ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ૬ ફેબ્રુઆરીએ મુંબઈના તટ પરથી અમેરિકી પ્રતિબંધો હેઠળ ઈરાન સાથે જોડાયેલા ત્રણ તેલ ટેન્કરોને જપ્ત કર્યા હતા. આ ટેન્કરો પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેલની દાણચોરીનો આરોપ છે. ૧૫ ફેબ્રુઆરીએ મુંબઈમાં નોંધાયેલી એક એફઆઈઆર (FIR) અનુસાર, આમાંનું એક જપ્ત કરાયેલું ‘એસ્ફાલ્ટ સ્ટાર’ જહાજ ૨૦ થી ૨૮ જાન્યુઆરી વચ્ચે પાકિસ્તાનની દરિયાઈ સીમામાં કોઈ પણ ઓળખ વગર ફરી રહ્યું હતું. ટેન્કરોએ પોતાની ઓળખ છુપાવવા માટે ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) અને અન્ય સેન્સર બંધ કરી દીધા હતા.

ICG ના કમાન્ડન્ટ અનિરુદ્ધ ધર્મપાલ ડબાશની ફરિયાદ પર મુંબઈના યલો ગેટ પોલીસ સ્ટેશનમાં આ મામલે નવ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં જહાજોના માલિક, સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહેતા જોગીન્દર સિંહ બરાર પણ સામેલ છે. પોલીસે ‘એસ્ફાલ્ટ સ્ટાર’ ના કેપ્ટન શ્યામ બહાદુર ચૌહાણ અને અન્ય એક ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરી છે. તેમના પર તેલની દાણચોરી અને છેતરપિંડીનો આરોપ છે.

- Advertisement -

સેન્સર બંધ કરી પાકિસ્તાની સીમામાં દાખલ થયા જહાજ

એફઆઈઆર અનુસાર, એસ્ફાલ્ટ સ્ટાર ૨૦ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી વચ્ચે પાકિસ્તાનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (EEZ) માં દાખલ થયું હતું. ૨૮ જાન્યુઆરીએ જહાજે તેની ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS), VHF અને અન્ય સેન્સર બંધ કરી દીધા હતા, જેથી તેની ઓળખ અને પ્રવૃત્તિઓ છુપાવી શકાય. પૂછપરછ દરમિયાન જહાજના માસ્ટરે દાવો કર્યો હતો કે તેનું વોયેજ ડેટા રેકોર્ડર (VDR) કામ કરી રહ્યું ન હતું.

ગેરકાયદે તેલ ટ્રાન્સફર કર્યું

તપાસમાં સામે આવ્યું છે કે ‘એસ્ફાલ્ટ સ્ટાર’ એ ભારતીય સત્તાવાળાઓને જાણ કર્યા વગર, હિંદ મહાસાગરના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (EEZ) માં ‘અલ જાફઝિયા’ ને ૩૦ મેટ્રિક ટન ભારે ઇંધણ તેલ અને ‘એમટી સ્ટેલર રૂબી’ ને રોડ બનાવવામાં વપરાતું ૫૪૭૩ મેટ્રિક ટન બિટુમેન ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કર્યું હતું.

- Advertisement -

જહાજ પર સવાર હતા કુલ ૫૫ લોકો

કોસ્ટ ગાર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રણેય જહાજોએ પકડાઈ જવાથી બચવા માટે AIS સ્પૂફિંગ (ઓળખની ચોરી) અને ખોટી ઓળખનો ઉપયોગ કર્યો હતો. જહાજો પર કુલ ૫૫ ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

જોગીન્દર સિંહ બરારે યુએઈમાં દાવો કર્યો છે કે તેમના જહાજો ભારતીય તટથી દૂર મુશ્કેલીમાં મુકાયેલા જહાજોને જરૂરી પુરવઠો આપી રહ્યા હતા અને તેઓ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ નહોતા. ICG ની સ્પેશિયલ બોર્ડિંગ ટીમે ઇલેક્ટ્રોનિક ડેટાની તપાસ, દસ્તાવેજોની ચકાસણી અને ક્રૂની પૂછપરછના આધારે કથિત દાણચોરીના આખા મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

- Advertisement -
Share This Article