CGST Officer Bribery Case Bhopal: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. CGSTના એક અધિકારીને 2 લાખ રૂપિયાની લાંચ લેતાં ધરપકડ કરવામાં આવી છે. સાથે જ અધિકારીનાં અન્ય ઠેકાણાં પરથી 72 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તે ભંગારના વેપારી પાસેથી દર મહિને લાંચની માગણી કરી રહ્યો હતો.
CGST અધિકારી સામે કેસ નોંધાયો
CBI અનુસાર, નિવારક શાખા (મુખ્યાલય)માં ફરજ બજાવતા અધિક્ષક રાજેશ કુમાર સામે શનિવારે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપો અનુસાર, રાજેશ કુમાર પર ભોપાલની એક કંપનીના માલિક પાસેથી દર મહિને 2 લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ છે.
2 લાખ રૂપિયાની લાંચ લેતાં ધરપકડ
નિવેદન અનુસાર, CBIએ છટકું ગોઠવીને કુમારને કથિત રીતે 2 લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીએ ફરિયાદીના ભંગારના વ્યવસાયમાં અડચણ નહીં ઊભી કરવા અને ભંગારનો સામાન લઈ જતાં વાહનોને નહીં રોકવાના બદલામાં લાંચ માગી હતી.
વેપાર બરબાદ કરી દેવાની ધમકી
હકીકતમાં, આરોપી અધિકારી સામે માંડીદીપના ભંગારના વેપારી મુબીન ખાને 9 ઑક્ટોબરે CBIમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે CGST અધિકારી રાજેશ કુમારે ઈ-બિલ ન હોવાનું કહીને ઇન્દોરથી ભોપાલ આવી રહેલું તેમનું વાહન અટકાવ્યું હતું. આ ઉપરાંત માંડીદીપ સ્થિત ગોડાઉન પર દરોડો પાડીને રાત્રે 11 લાખ રૂપિયા વસૂલ્યા હતા અને કહ્યું હતું કે વેપાર બરબાદ કરી દેશે.
દર મહિને 2 લાખ રૂપિયાની માગણી
ત્યારબાદ અધિકારીએ ભોપાલ સ્થિત એક કૉપી હાઉસમાં બોલાવ્યા હતા. સાથે જ કહ્યું હતું કે વેપાર કોઈપણ અડચણ વિના ચાલુ રહે તે માટે દર મહિને 2 લાખ રૂપિયા આપવા પડશે. માસિક લાંચ દર મહિને 10 તારીખે આપવાની હતી. વેપારીએ પરેશાન થઈને CBIમાં ફરિયાદ કરી હતી અને અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.
72 લાખ રૂપિયા રોકડા મળ્યા
ધરપકડ બાદ CBIએ આરોપીના ભોપાલ અને કાનપુર સ્થિત ઘરોમાં દરોડા પાડ્યા હતા. અહીંથી 72 લાખ 50 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ ઉપરાંત સ્થાવર મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે.

