Chunar Railway station Accident: બુધવારની સવારે ચુનાર રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત થયો હતો. રેલ લાઇન પાર કરતી વખતે હાવડા-કાલકા મેલ ટ્રેનની ચપેટમાં આવતા છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો ક્ષત-વિક્ષત થઈ ગયા હતા અને તેમની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જી.આર.પી. અને આર.પી.એફ.ના જવાનો દ્વારા મૃતદેહોના અવશેષો એકત્રિત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.
સોનભદ્ર તરફથી આવતી ગોમો-પ્રયાગરાજ બરવાડીહ પેસેન્જર ટ્રેન સવારે લગભગ સાડા નવ વાગ્યે પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચી હતી. તેમાં સવાર શ્રદ્ધાળુઓ કાર્તિક પૂર્ણિમાના સ્નાન માટે ચુનાર આવ્યા હતા. પ્લેટફોર્મ નંબર 4 પર ઉતર્યા બાદ તેઓ વિપરીત દિશામાં પ્લેટફોર્મ નંબર 3 પર જવા માટે રેલ લાઇન પાર કરવા લાગ્યા.
આ દરમિયાન થ્રૂ લાઇન પરથી પસાર થતી કાલકા મેલ ટ્રેનની ચપેટમાં આવી જતા આ દુર્ઘટના બની. અકસ્માત બાદ સ્ટેશન પર ચીખપોકાર અને ભયનો માહોલ છવાઈ ગયો. જી.આર.પી. અને આર.પી.એફ.ની ટીમ મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયામાં લાગી ગઈ છે.
ભારતીય રેલ્વેએ જણાવ્યું કે ટ્રેન નંબર 13309 ચોપન-પ્રયાગરાજ એક્સપ્રેસ ચુનાર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચી હતી. કેટલાક મુસાફરો ખોટી બાજુએ ઉતરી ગયા હતા અને મુખ્ય લાઇન પરથી ટ્રેક પાર કરી રહ્યા હતા, જ્યારે ત્યાં ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ હતો. એ સમયે ટ્રેન નંબર 12311 નેતાજી એક્સપ્રેસ મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી, જેના કારણે ત્રણથી ચાર લોકો તેની ચપેટમાં આવી ગયા.

