Delhi School Bomb Threat: દિલ્હીમાં સોમવાર સવારે એકવાર ફરી શાળાઓને બોમ્બની ધમકીના કોલ મળવાથી ફફડાટ મચી ગયો છે. રાજધાનીના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી નવ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તરત જ સક્રિય થઈ ગઈ હતી.
જે શાળાઓને ધમકીના કોલ આવ્યા, તેમાં લોરેટો કોન્વેન્ટ સ્કૂલ (દિલ્હી કેન્ટ), કેમ્બ્રિજ સ્કૂલ (શ્રી નિવાસપુરી), વેદવ્યાસ ઇન્ટરનેશનલ/વેદાંત/વેંકટેશ્વર સ્કૂલ (રોહિણી), કેમ્બ્રિજ સ્કૂલ (NFC), ધ ઇન્ડિયન સ્કૂલ (સાદિક નગર), સીએમ શ્રી સ્કૂલ (રોહિણી), ડીટીએ સ્કૂલ (INA) અને બાલ ભારતી સ્કૂલ (રોહિણી) સામેલ છે. એરફોર્સ સ્કૂલ, લોધી રોડ અને સુબ્રતો પાર્ક, કેઆર મંગલમ સ્કૂલ અને ઇન્ડિયન સ્કૂલને પણ બોમ્બની ધમકી મળી છે. તમામ શાળાઓમાંથી બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને વહીવટીતંત્રે વાલીઓને તાત્કાલિક જાણ કરી છે.
ધમકીભર્યા ઇમેઇલમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી ખાલિસ્તાન બનશે, અફઝલ ગુરુની યાદમાં ૧:૧૧ pm વાગ્યે ધડાકો થશે, ૧૩ ફેબ્રુઆરીએ ૧:૧૧ pm વાગ્યે સંસદમાં બ્લાસ્ટ થશે. પંજાબ ખાલિસ્તાન છે. ખાલિસ્તાન નેશનલ આર્મી.
દિલ્હી પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીના તમામ કોલ્સ શંકાસ્પદ જણાય છે, પરંતુ દરેક ઇનપુટને પ્રોટોકોલ મુજબ વેરીફાય કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રાજધાનીની શાળાઓને નકલી ધમકીના કોલ્સ મળવાની અનેક ઘટનાઓ બની છે, જેમાંથી મોટાભાગના વિદેશથી મોકલવામાં આવેલા ઇમેઇલ અથવા ઇન્ટરનેટ કોલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા.

