નવી દિલ્હી, તા. 2 : સંસદમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ માટે આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વિવાદિત વિધાનોનાં ગણીગણીને જવાબ આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને બાળકબુદ્ધિ ગણાવીને તેમની હરકતો અને તેમની સામેના કેસ પણ ગણાવ્યા હતા. આ સાથે જ મોદીએ પોતાનાં 10 વર્ષનાં શાસનકાળની સફળતાઓનો ચિતાર પણ આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ખોટા જીતના જશ્નના નામે જનાદેશને દબાવો નહીં. હિન્દુઓ પર ખોટું આળ મૂકવાના ષડયંત્રને દેશ ભૂલશે નહીં. મોદીએ 135 મિનિટના ભાષણમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએની જીતનો ઉલ્લેખ કર્યો હતો અને આ દરમ્યાન કોંગ્રેસ અને વિપક્ષનાં ઈન્ડિયા ગઠબંધનનાં ચૂંટણી પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ ઉપર સણસણતો પ્રહાર કરતા કહ્યું હતું કે, 99 બેઠકે અટકી જવા છતાં હવે બચ્ચાનું મન બહેલાવવાની કોશિશ થઈ રહી છે.

મોદીના પ્રવચન વખતે વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો અને બેવાર તેમણે પ્રવચન અટકાવવું પડયું હતું. રાહુલ ગાંધીની ટિપ્પણીઓ ઉપર સીધો હુમલો કરતાં મોદીએ કહ્યું હતું કે, કાલે જે થયું તેને કોટિકોટિ દેશવાસીઓ માફ નહીં કરે. આ ગંભીર વાત છે અને હિન્દુઓ ઉપર ખોટા આરોપ મૂકવાનું ષયયંત્ર છે. શું હિન્દુ હિંસક હોય છે? આ તમારા વિચાર અને ચરિત્ર છે. આ દેશ શતાબ્દીઓ સુધી આને ભૂલશે નહીં. આ લોકોએ હિન્દુ આતંકવાદની વિભાવના ઘડવાનો કોશિશ પણ કરી હતી. તેમણે જ શક્તિનાં વિનાશની વાત પણ કરેલી. આમને દેશ માફ નહીં કરે. દેશની સંસ્કૃતિ અને પરંપરાની મજાક ઊડાડવી ફેશન બનાવી દેવાયું છે.
સંસદનાં ગઈકાલનાં દૃશ્ય જોઈને હિન્દુ સમાજે વિચારવું પડશે કે શું આ અપમાન કોઈ સંયોગ છે કે કોઈ મોટા પ્રયોગની તૈયારી છે? નીટમાં ગેરરીતિઓ અને ગરબડોના પગલે મોદીએ જણાવ્યું હતું કે, પેપર લીકથી સંકળાયેલા કોઇને પણ છોડવામાં આવશે નહીં. વડાપ્રધાન મોદીએ આજે રાહુલનું નામ લીધા વિના અનેક કટાક્ષ અને તીખાં તીર છોડયા હતાં. મોદીએ કહ્યું કે, આજકાલ સહાનુભૂતિ જીતવા નવી નૌટંકી શરૂ થઈ છે. એક બાળક શાળાએથી આવીને જોરથી રોવા માંડયું. તેમની માતા પણ ડરી ગઈ કે શું થયું? તે કહેવા લાગ્યું કે, મને શાળામાં મારવામાં આવ્યો. તેને કોણે માર્યો એની વાત તે કરતો હતો, પણ તેણે કોઈ બાળકને માની ગાળ આપી હતી, પુસ્તક ફાડી નાખ્યું હતું, ટીચરને ચોર કહ્યા હતા અને કોઈનું ટિફિન ચોરીને ખાઈ જવાની વાત કરી નહોતી. આપણે ગૃહમાં ગઈકાલે આવી જ બાલિશ હરકત જોઈ હતી. આ બાળકબુદ્ધિનો વિલાપ હતો. પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, આ ચૂંટણી કોંગ્રેસે સાથીઓ સાથે મળીને લડી તેમાં પણ સંદેશ છે. હવે કોંગ્રેસ એક પરજીવી પક્ષ તરીકે ઓળખાશે. કોંગ્રેસ જે પાર્ટી સાથે ગઠબંધન કરે છે તે પક્ષના મત પણ ખાઈ જાય છે અને પોતાના સાથી પક્ષનાં ભોગે તે ફૂલેફળે છે, એટલે કોંગ્રેસ 2024થી પરજીવી બની ગઈ છે. રાહુલનાં ભાષણ ઉપર ધારદાર આક્રમણ ચલાવતા મોદીએ લોકસભા ચૂંટણીમાં પક્ષનાં પ્રદર્શનની વાત કરી હતી અને કહ્યું કે, કોઈ બાળક સાઈકલ લઈને નીકળ્યો અને પડી ગયો. રોવા માંડયો, કોઈએ આવીને કહ્યું કે, જો કીડી મરી ગઈ. આવું કહીને બાળકોનું મન મોટા બહેલાવતા હોય છે. આજકાલ આવું જ કંઈક ચાલી રહ્યું છે. 1984ની ચૂંટણી યાદ કરો. ત્યારથી 10 લોકસભા ચૂંટણી થઈ ગઈ છે, પણ કોંગ્રેસ 2પ0નો આંકડો પણ સ્પર્શી શક્યો નથી. આ વખતે 99એ જ અટવાઈ ગયો. આનાં હિસાબે વધુ એક કિસ્સો યાદ આવે છે.
એક બાળક 99 ટકા માર્ક્સ લઈને વાહવાહી લૂંટી રહ્યો હતો. શિક્ષકે કહ્યું કે, આ 99 ટકા 100માંથી નહીં પણ પ43માંથી આવેલા છે. વડાપ્રધાને આગળ રાહુલ ગાંધી ઉપર થયેલા કેસ ગણાવતા કહ્યું હતું કે, આ નવો જ ડ્રામા ચાલે છે, પણ દેશ જાણે છે કે, હજારો કરોડ રૂપિયાની હેરાફેરીના કેસમાં તે જામીન ઉપર છે. ઓબીસી ઉપર ટિપ્પણીના કેસમાં સજા પડી છે. સુપ્રીમ કોર્ટનાં આદેશ ઉપર પોતાની ટિપ્પણીની માફી પણ માગવી પડી હતી. તેમની સામે વીર સાવરકરના અપમાનનો મુકદમો ચાલે છે. તેમની સામે દેશનાં સૌથી મોટા પક્ષના અધ્યક્ષને હત્યારા કહેવાનો કેસ છે. તેમની સામે અદાલતમાં ખોટું બોલવાનો કેસ છે. બાળકબુદ્ધિમાં બોલવાનું કે વ્યવહારનું ઠેકાણું નથી હોતું. બાળકબુદ્ધિ જ્યારે પૂરી રીતે માથે સવાર થઈ જાય, ત્યારે તે સદનમાં પણ ગમે તેને ગળે વળગી પડે છે.
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીનાં ચૂંટણી પ્રચારના એક વિધાન ઉપર વ્યંગ કર્યો હતો અને કહ્યું હતું કે, દેશે પહેલી જુલાઈએ ખટાખટ દિવસ મનાવ્યો છે. પહેલી જુલાઈએ લોકો પોતાનાં બેન્કખાતા ચેક કરતા હતા કે, 8પ00 રૂપિયા આવ્યા છે કે નહીં. મોદીએ આગળ કહ્યું કે, બંધારણની ગરિમા સાથે રમત થવી ગૃહનું દુર્ભાગ્ય છે. અનેકવાર જીતીને આવેલા લોકો સદનની ગરિમા સાથે રમત કરે તે શોભા નથી દેતું. જે પક્ષ 60 વર્ષથી અહીં બેઠો છે અને સરકારનાં કામોને જાણે છે અને અનુભવી નેતાઓની શૃંખલા છે, તે જ્યારે જૂઠનો રસ્તો અપનાવે ત્યારે ગંભીર સંકટમાં મૂકાઈ જાય છે. આ મહાપુરુષોનું અપમાન છે, આઝાદી અપાવનારાઓનું અપમાન છે. છ દાયકા રાજ કરનારો પક્ષ દેશમાં અરાજકતા ફેલાવવામાં લાગેલો છે. દક્ષિણમાં જઈને ઉત્તરની વિરુદ્ધ બોલે છે. ભાષાનાં નામે વિભાજિત કરવાની કોશિશ કરે છે. અફવાઓ ફેલાવે છે. આર્થિક અરાજકતા લાવવા સમજી-વિચારીને ચાલ ચાલે છે. મોદીએ આગળ કહ્યું કે, કોંગ્રેસે બંધારણ વિશે હંમેશાં જૂઠ ચલાવ્યું. કટોકટીનું આ પ0મું વર્ષ છે. સત્તાના લોભ અને તામસી માનસિકતા હેઠળ કટોકટી લાદવામાં આવેલી. આમાં કોંગ્રેસે ક્રૂરતાની તમામ હદો વળોટી દીધી હતી.

