નવી દિલ્હી, તા. 26 : કોંગ્રેસે મતપત્રકો વડે ચૂંટણી યોજવાનું દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, `અમારી ઇચ્છા છે કે ચૂંટણીઓ મતપત્રકો વડે કરવામાં આવે. આ માટે અમે ભારત જોડો યાત્રાની જેમ સમગ્ર દેશમાં અભિયાન ચલાવીશું.’ ખડગેએ કહ્યું હતું કે, હું એક વાત કહીશ કે પૂરી શક્તિ લગાવીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય નબળા વર્ગના લોકો જે મત આપી રહ્યા છે તે વ્યર્થ જાય છે.
અમારું કહેવું છે કે, બધું છોડી દો અને મતપત્રક વડે મતદાનની વ્યવસ્થા કરી દો. અમદાવાદમાં ઘણા ગોડાઉન બન્યા છે. તેઓ ત્યાં જઇને મશિનોને રાખી દે. અમારી એક માગણી છે કે મતપત્રક વડે ચૂંટણી થવાથી તે લોકોને ખબર પડશે કે તેઓ ક્યાં ઊભા છે. વધુમાં ઉમેર્યું હતું કે, `મારું કહેવું છે કે, અમારા પક્ષે એક અભિયાન શરૂ?કરવું જોઇએ અને દરેક પક્ષોએ સાથે જોડાવું જોઇએ. અમે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાની જેમ સમગ્ર દેશમાં અભિયાન ચલાવીશું.

