Cough Syrup News : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરમાં અનેક બાળકોના મોત તથા બીમારીના કેસ સામે આવ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ખાસ કરીને ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ સિરપ શંકાના ઘેરામાં આવ્યું છે કારણ કે આ સિરપ પીધા પછી બાળકોમાં ગંભીર અસર જોવા મળી રહી છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ની ટીમે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં કફ સિરપના નમૂનાઓ એકત્ર કર્યા છે. રાજસ્થાનમાં સમાન પ્રકારના કેસ નોંધાયા બાદ શંકાસ્પદ બેચનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તંત્રે આ સિરપનું વિતરણ તાત્કાલિક રોકી દીધું છે.
રાજસ્થાન-મધ્યપ્રદેશમાં વધ્યો ભય
રાજસ્થાનના સીકર જિલ્લામાં 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું, જ્યારે ભરતપુરમાં 3 વર્ષનું બાળક ગંભીર રીતે બીમાર પડ્યું હતું. આ બાળકોને મુખ્યમંત્રી મફત દવા યોજના હેઠળ આપવામાં આવેલ સિરપ આપવામાં આવ્યું હતું. ગયા મહિને મધ્યપ્રદેશના છિંદવાડામાં 6 બાળકોનાં મોત પણ આ જ પ્રકારના સિરપને કારણે થયા હોવાનું મનાય છે. શરૂઆતમાં બાળકોમાં તાવ, પેશાબમાં તકલીફ અને કિડની ઇન્ફેક્શન જેવા લક્ષણો સામે આવ્યા હતા. જેના પગલે તંત્રે કોલ્ડરિફ અને નેક્સ્ટ્રો-DS સિરપ પર પ્રતિબંધ મૂકી દીધો.
સિરપનું વિતરણ રોકાયું
રાજસ્થાનમાં RMSCLએ KL-25/147 અને KL-25/148 બેચની તપાસ હાથ ધરી છે. ત્યારબાદ કેયસન્સ ફાર્મા કંપનીએ પોતાના તમામ બેચનું વિતરણ બંધ કરી દીધું છે. રાજ્યના ડ્રગ કંટ્રોલર અજય ફાટકેએ જણાવ્યું કે બાળકોની બીમારીઓને કારણે આ સિરપ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નિષ્ણાતોની ચેતવણી
પ્રાથમિક અહેવાલો મુજબ આ સિરપ પુખ્ત વયના લોકો માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ ચાર વર્ષથી નાની ઉંમરના બાળકોને આપવાથી જીવલેણ અસર થઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે ડૉક્ટરની સલાહ વિના બાળકોને કોઈપણ દવા કે સિરપ ન આપવી જોઈએ.

