Delhi Red Fort Blast Updates: લાલ કિલ્લા વિસ્ફોટ બાદ દિલ્હીથી મુંબઈ સુધી હાઈ એલર્ટ, NIA અને NSG તપાસમાં

Arati Parmar
3 Min Read

Delhi Red Fort Blast Updates: દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક સોમવારે સાંજે થયેલા ભયાનક કાર વિસ્ફોટ બાદ આખો દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને “હ્રદયવિદારક” ગણાવી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક સંદેશ પાઠવ્યો હતો.
તેમણે લખ્યું,
“દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં જાન ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના. સરકાર અને એજન્સીઓ પ્રભાવિત લોકોને મદદરૂપ થઈ રહી છે. મેં ગૃહમંત્રી અમિત શાહ અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે.”

લાલ કિલ્લા નજીક ધડાકો: ધરતી ધસી જાય તેમ લાગ્યું

વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નં. 1 નજીક ટ્રાફિક સિગ્નલ પાસે થયો હતો, જેના ધડાકાથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. અનેક વાહનો આગમાં ઘેરાઈ ગયા, અને નજીકની દુકાનોની કાચની બારીઓ તૂટી ગઈ. સ્થળ પર હાજર પ્રતિક્ષદર્શીઓએ જણાવ્યું કે “ધડાકો એટલો જોરદાર હતો કે ધરતી ધસી જાય તેમ લાગ્યું. કેટલાક પળો સુધી ધૂમાડાના કાળા વાદળો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા હતા.” દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું કે “સાત ફાયર ટેન્ડર તરત મોકલાયા હતા અને સમગ્ર વિસ્તાર સુરક્ષિત કરી દેવામાં આવ્યો છે.”

- Advertisement -

આતંકી જોડાણની તપાસ શરૂ, NIA અને NSG સ્થળ પર

સોમવારની સવારે જ જમ્મુ-કાશ્મીર પોલીસે જયેશ-એ-મોહમ્મદ (JeM) અને અંસાર ગઝવતુલ હિંદ જોડાયેલા આતંકી મૉડ્યુલનો ભંડાફોડ કર્યો હતો, જેમાં 2,900 કિલો વિસ્ફોટક, રાઇફલ, પિસ્તોલ અને ટાઇમર જપ્ત થયા હતા. તેથી લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટને સુનિયોજિત આતંકી કાવતરું માનવામાં આવી રહ્યું છે.
વિસ્ફોટ બાદ NIA, NSG અને ફોરેન્સિક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પુરાવા એકત્રિત કરવાનો પ્રારંભ કર્યો છે.

ઘાયલો સારવાર હેઠળ, સુરક્ષા કડક બનાવાઈ

ઘાયલોને લોક નાયક જયપ્રકાશ (LNJP) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષા વધારવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની ઉપરાંત મુંબઈ, અમદાવાદ અને ચેન્નાઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એરપોર્ટ, મેટ્રો સ્ટેશનો અને ધાર્મિક સ્થળોએ વધારાની સુરક્ષા તૈનાતી થઈ છે. ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી છે અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) સાથે સતત સંપર્કમાં છે.

- Advertisement -

બિહાર ચૂંટણી પહેલા હુમલો, દેશભરમાં તણાવ

વિસ્ફોટનો સમય પણ ચિંતાજનક છે, કારણ કે આ ઘટના બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા બની છે.
બિહારના અનેક લોકો દિલ્હીમાં રોજગારી માટે રહે છે, જેના કારણે તેમના પરિવારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અનેક પરિવારો પોતાના પ્રિયજનોની ખબર મેળવવા સતત સંપર્ક કરી રહ્યા છે. લાલ કિલ્લા નજીકનો આ વિસ્ફોટ માત્ર રાજધાની માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ચેતવણીરૂપ છે. સુરક્ષા એજન્સીઓ સતત તપાસમાં છે, જ્યારે સરકાર ઘટનાની દરેક સંભવિત દિશામાં તપાસ કરી રહી છે.

Share This Article