ભાઈ આ તો એક ટ્રેલર છે , જો સમજો તો કેમ કે, આ વર્ષે આખા દેશમાં તાપમાનનો પારો હિસ્ટોરિકલ રહ્યો છે.ગરમીએ હદ વટાવી જેમાં કોઈ ક્ષેત્ર કે રાજ્ય બાકી નથી.અને શું લાગે છે તમને ? કઈ આ સ્થિતિ તેમ જ તો નથી પેદા થઇ ને ? આપણે ધરતી પર વિકાસ અને ઐયાસીભરી જિંદગી જીવવા વિનાશ વેરવાનું ચાલુ કર્યું.જેટલું આપ્યું ભગવાને એટલું ઓછું પડ્યું.આપણને વધુ ને વધુ પામવાની ગાંડી ઘેલછા પેદા થતી ગઈ.અને આખરે આપણે પ્રકૃતિને છિન્ન-ભિન્ન કરી દીધી.જેને પગલે જુઓ આજે દેશની જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પાણી માટે તરસી રહી છે. ગ્લોબલ વાર્મિં હવે તે હદે વધી ગયું છે કે,જેમાં કેટલીક બાબતો અત્યારથી જ આપણા હાથની બહાર જતી રહી છે.અને તેથી જ હવે તો જાગવું અને સમજવું જ પડશે.દિલ્હીના ઘણા વિસ્તારોમાં જળ સંકટનો વ્યાપ ઘણો વધી ગયો છે.લોકો કાળ-જાળ ગરમીમાં પાણીના ટીપાં માટે તરસી રહ્યા છે.ત્યારે કેજરીવાલ સરકારનું કહેવું છે કે હાલમાં રાજધાનીમાં દૈનિક 50 મિલિયન ગેલન પાણીની અછત છે. જળ સંકટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. દિલ્હી સરકારનો આરોપ છે કે હરિયાણા સરકાર દિલ્હીને ઓછું પાણી આપી રહી છે. દરમિયાન, પોતાના નિવેદનથી પીછેહઠ કરતા હિમાચલ સરકારે દિલ્હીને પાણી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે.
બાય ધ વે,તમામ આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે દિલ્હીમાં જળસંકટ છે. દિલ્હીને પાણી પહોંચાડવામાં માત્ર હરિયાણા અને હિમાચલ પ્રદેશના નામ જ આગળ આવ્યા છે. જો કે પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ પણ દિલ્હીને પાણી પહોંચાડે છે.

દિલ્હીમાં 5 રાજ્યોમાંથી 90 ટકા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે
પાંચ રાજ્યો મળીને 90 ટકા પીવાનું પાણી દિલ્હીને સપ્લાય કરે છે. હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબનું પાણી અહીં પહોંચે છે. હવે ચાલો તેની ચેનલ સમજીએ. પંજાબથી ભાખરા નાંગલ ડેમ દ્વારા અહીં પાણી પહોંચે છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો દિલ્હીને ગંગા નદી અને ઉત્તરાખંડના ટિહરી ડેમ દ્વારા પાણી મળે છે. પાણી યમુના મારફતે હરિયાણા પહોંચે છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજધાની દિલ્હીને ઉત્તર પ્રદેશમાં અપર ગંગા કેનાલ દ્વારા દરરોજ 470 ક્યુસેક પાણી મળે છે. તે જ સમયે, યમુના અને રાવી-બ્યાસ નદીઓમાંથી શહેરને 1,049 ક્યુસેક પાણી પૂરું પાડવામાં આવે છે.
પરંતુ અસલ મુદ્દો તો તે જ છે કે, ગમે એટલી વ્યવસ્થા હશે પરંતુ જો કુવામાં જ પાણી ન હોય તો હવાડામાં ક્યાંથી આવે.કૈક તેમ જ જો 5 રાજ્યોનું પાણી મેળવવા છતાં દિલ્હી પ્યાસુ રહી જતું હોય તો ? તો વિચારો કે બીજા લોકો સાથે મતલબ કે, આપણે જે હાથના કર્યા છે તે ક્યાંક હૈયે તો વાગે જ.બાકી આ તો એકબીજા પર દોષારોપણ કરી વાતને આડે પાટે ચડાવવાની જ વાત હોય છે. હા, જો કે મિસમેનેજમેન્ટ ચોક્કસ હોય છે.તેની તો ના નહીં જ.પરંતુ કુદરત આ હાલતમાં પણ મોટાભાગે પાણી તો ભરપૂર વરસાવે જ છે. પરંતુ આ પાણી આપણે નથી બચાવતા એટલે ઉલટાનું આપણને તબાહ કરી ઘમરોળે છે.અને કરોડો લીટર પાણી આયોજનને અભાવે તબાહી વેરી જ્યાં ત્યાં સમાઈ જાય છે.તેથી જ જો આ જ પાણીને આયોજન સાથે સ્ટોરેજ કરાય તો વિચારો કેટલી સુંદર સ્થિતિ ઉભી થાય.અને સસ્તું અને શુદ્ધ પાણી પણ મળી રહે.પરંતુ કોને આવા આયોજનમાં રસ હોય છે ? બાકી હવેના સમયમાં જ્યાં મોસમ અન -ઇવન બની ગઈ છે.અને વરસાદ આવે તો બેહિસાબ આવે છે અને ન આવે તો ઉભા પાક પણ સુકાઈ જાય છે.ત્યારે વોટર હાર્વેસ્ટિંગ જે ઘરે ઘરે ઉપયોગી છે.અને સિંચાઈ, ખેત તળાવડીઓ, કુવા રિચાર્જ જેવી બાબતો ખેતી અને અન્ય કામો માટે ઉપયોગી થાય છે.પરંતુ આયોજનનું પણ યોગ્ય આયોજન થાય તો આ સમસ્યા ઘણી હળવી થાય.
વિશેષમાં દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) પણ યમુનામાંથી પાણી લે છે. દિલ્હીનો પાણી પુરવઠો યમુના, અપર ગંગા કેનાલ, ભાખરા સ્ટોરેજ અને ભૂગર્ભ જળમાંથી આવે છે. રાજધાની તેની જરૂરિયાતના 41 ટકા પાણી યમુનામાંથી, 27 ટકા અપર ગંગા કેનાલમાંથી, 24 ટકા ભાખરા સ્ટોરેજમાંથી અને 9 ટકા ટ્યુબવેલમાંથી મેળવે છે.
ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની માંગ અને પુરવઠાને ધ્યાનમાં લઈને પાણી બોર્ડે 587 ટ્યુબવેલ નાખવાની યોજના બનાવી હતી. યોજનાનો ઉદ્દેશ્ય એ હતો કે તેના દ્વારા દિલ્હીની તરસ છીપાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં તે કેટલાક વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવી હતી. યોજનાના બીજા તબક્કામાં 259 ટ્યુબવેલ નાખવાના હતા. આ માટે વોટર બોર્ડને 1800 કરોડ રૂપિયાની જરૂર હતી. જલ બોર્ડે આ યોજનાને આગળ વધારવા માટે દિલ્હી સરકારના નાણા વિભાગને પત્ર લખ્યો હતો, પરંતુ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું ન હતું અને ટ્યુબવેલ સ્થાપિત કરવાનું કામ પૂર્ણ થઈ શક્યું ન હતું.
પરંતુ ફરીથી અહીં જણાવવામાં આવે છે કે, વાતો ગમે તે થાય પરંતુ અસલી મુદ્દો આ જ છે કે,દિલ્હીની આસપાસના વિસ્તારોમાં નદીઓ કાં તો સુકાઈ ગઈ છે. અથવા તેમનું પાણી હવે પીવા માટે યોગ્ય નથી. જળ પ્રદૂષણ ચરમસીમાએ પહોંચતા રાજધાનીને પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે પડોશી રાજ્યો પર આધાર રાખવો પડે છે.જે આપણા સમજવા પણ આટલી વાત પૂરતી છે કે, વરસાદ આવવાનો સમય છે ત્યારે કોઈ સરકાર કઈ ન કરે તો કઈ નહીં આપણે જ આપણા ઘરોમાં પુરાતન પદ્ધતિ અનુસાર વોટર હાર્વેસ્ટિંગ ચાલુ કરીયે તો ? પણ ક્યાં જવાબદાર નાગરિકો આ માટે આગળ આવશે ?
by : Reena brahmbhatt

