સીધી ભરતીના મુદ્દે એનડીએમાં જ મતભેદ

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 19 : કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયોમાં સંયુક્ત સચિવ જેવાં મહત્ત્વનાં પદો પર પરીક્ષા વિના સીધી ભરતીનાં યુપીએસસીનાં એલાન બાદ સોમવારે આ બહુચર્ચિત બનેલા મુદ્દા પર દેશનાં સત્તારૂઢ એનડીએ જોડાણમાં મતભેદો સામે આવ્યા હતા. એક તરફ, જનતાદળ (યુ) અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પક્ષોએ સીધી ભરતીની પહેલ સામે વિરોધ નોંધાવ્યો હતો, તો બીજી તરફ, તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી)એ આ પહેલનો પક્ષ ખેંચ્યો છે. જેડી-યુના રાષ્ટ્રીય પ્રવક્તા કે.સી. ત્યાગીએ જણાવ્યું હતું કે, એનડીએના વિરોધીઓ સીધી ભરતીની ઘોષણાનો દુરુપયોગ કરશે. અનામતનો છેદ ઉડતો હોવાથી રાહુલ ગાંધી અનામતના લાભથી વંચિત વર્ગના હીરો બની જશે.

anamat reservetion

- Advertisement -

આપણે વિપક્ષના હાથમાં હથિયારો આપવાં ન જોઇએ. લોજપા અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ સૂર પૂરાવતાં કહ્યું હતું કે, કોઇપણ સરકારી ખાતાંની નિમણૂકમાં અનામતની જોગવાઇ અચૂકપણે હોવી જ જોઇએ. ખાનગી ક્ષેત્રોમાં અનામત જેવું કંઇ જ નથી અને જો સરકારના વિભાગોમાં નોકરી આપતી વખતે પણ અનામતની જોગવાઇ લાગુ નહીં કરાય, તો તે ખરેખર ચિંતાજનક સ્થિતિ હશે તેવું પાસવાને કહ્યું હતું. મોદી સરકારના પ્રધાન પાસવાને જણાવ્યું હતું કે, અમારો પક્ષ પણ આ પ્રકારના પગલાંના પક્ષમાં બિલકુલ નથી.

લોજપાના પ્રવક્તા એ.કે. બાજપેયીએ પણ અનામત વિના સીધી ભરતીનો વિરોધ કરતાં કહ્યું કે, આવી પહેલ બંધારણના આદેશોથી વિરુદ્ધ છે. આ મુદ્દા પર અમે યોગ્ય સમયે યોગ્ય પગલાં ભરીશું. બીજીતરફ ટીડીપીના રાષ્ટ્રીય મહામંત્રી નારા લોકેશે સીધી ભરતીની પહેલનો પક્ષ ખેંચતાં કહ્યું હતું કે, અમે હંમેશાં ખાનગી ક્ષેત્રોમાંથી સરકારની તજજ્ઞ પ્રતિભાઓને સ્થાન આપવાની તરફેણ કરી છે. અમે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ પગલાંનું સમર્થન કરીએ છીએ.

- Advertisement -
Share This Article