મુંબઈ: દેશનું અમૂલ્ય ‘રતન’ ટાટા પંચતત્વમાં ભળી ગયું

Reena Brahmbhatt
2 Min Read

વરલી સ્મશાનગૃહમાં રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

મુંબઈ, 10 ઓક્ટોબર. દેશના અમૂલ્ય રતન, ટોચના ઉદ્યોગપતિ, પદ્મવિભૂષણ રતન ટાટાના ગુરુવારે સાંજે વરલીના સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. આ સાથે રાજનીતિ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, સ્પોર્ટ્સ જગત અને ઈન્ડસ્ટ્રીના નામાંકિત લોકોએ અશ્રુભીની આંખો સાથે તેમના પ્રિય ઉદ્યોગપતિના નશ્વર દેહને અંતિમ વિદાય આપી.

- Advertisement -

રતન ટાટાનું મોડી રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. રતન ટાટાના પાર્થિવ દેહને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી કોલાબા સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના પરિવારજનો, સંબંધીઓ અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજોએ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, આજે સવારે 10 વાગ્યે, રતન ટાટાના પાર્થિવ દેહને કોલાબા સ્થિત તેમના નિવાસસ્થાનથી NCPA લાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુંબઈ પોલીસે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી.

રતન ટાટાના પાર્થિવ દેહને આજે સવારે 10 વાગ્યે મુંબઈના NCPA ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી એકનાથ શિંદે, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, MNS પ્રમુખ રાજ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વરિષ્ઠ નેતા શરદ પવાર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મંત્રી ઉદય સામંત, વિપક્ષી નેતા વિજય વડેટીવાર, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બોલિવૂડ અને ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. સાંજે 4 વાગ્યા પછી, રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વર્લીના સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યા હતા. સ્મશાનભૂમિ ખાતે પોલીસે રતન ટાટાના પાર્થિવ દેહને સલામી આપી હતી અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -
Share This Article