Emmanuel Macron India Visit 2026: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને પ્રથમ મહિલા બ્રિજિટ મેક્રોન મંગળવારે ભારતની મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત 19 ફેબ્રુઆરી સુધી ચાલશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાનું મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વાગત કર્યું હતું.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે X પર લખ્યું, “ફ્રાન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું હાર્દિક સ્વાગત. મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. બંને નેતાઓ ‘ઇનોવેશન વર્ષ 2026’ લોન્ચ કરશે. આ મુલાકાત ભારત-ફ્રાન્સની સક્રિય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગતિ આપશે.” પીએમ મોદીના આમંત્રણ પર મેક્રોનની આ ચોથી ભારત મુલાકાત છે.
UNમાં સુધારા અને ભારતની કાયમી સદસ્યતા જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ભાર
રશિયા-યુક્રેન સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ભારત અને ફ્રાન્સનું તાલમેલ મહત્વનું માનવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાના પ્રશ્ન પર ફ્રાન્સ પરંપરાગત રીતે ભારતની કાયમી સદસ્યતાનું સમર્થન કરતું આવ્યું છે. વિશ્લેષકોના મતે, આ મુલાકાત સંરક્ષણ-તકનીક, ઔદ્યોગિક સહકાર અને વૈશ્વિક વ્યૂહાત્મક સંતુલનના વ્યાપક એજન્ડાને આગળ વધારવાની તક છે.
વાટાઘાટોના અન્ય મુદ્દાઓ
પીએમ મોદી સાથેની તેમની દ્વિપક્ષીય વાતચીતમાં સંરક્ષણ, ઉભરતી ટેકનોલોજી, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, સંયુક્ત નૌકાદળ અભ્યાસ અને ગુપ્તચર ભાગીદારી, અવકાશ, પરમાણુ ઉર્જા અને વૈશ્વિક ભૌગોલિક રાજકીય મુદ્દાઓ કેન્દ્રમાં રહેવાની અપેક્ષા છે.
ટેકનોલોજી અને ઇનોવેશન: રાષ્ટ્રપતિ મેક્રોન અને વડાપ્રધાન મોદી સંયુક્ત રીતે ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ’માં ભાગ લેશે. અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ ગવર્નન્સ અને સાયબર સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવશે.
114 રાફેલ ફાઈટર જેટનો મેગા ડિફેન્સ સોદો: આ મુલાકાતનું સૌથી મોટું આકર્ષણ 114 રાફેલ લડાયક વિમાનોનો સોદો હોઈ શકે છે. આશરે ₹3.25 લાખ કરોડના આ સોદાને તાજેતરમાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બંને નેતાઓ સંયુક્ત રીતે કર્ણાટકના વેમગલમાં ટાટા એરબસની H125 હેલિકોપ્ટરની ફાઈનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન પણ કરશે.
ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોનના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને મુંબઈ ટ્રાફિક પોલીસે રૂટ ડાયવર્ઝન નક્કી કર્યું છે. દક્ષિણ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા અને તેની આસપાસના વિસ્તારોમાં બપોરે 2 થી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રાફિક જામની સમસ્યા થઈ શકે છે. છત્રપતિ શિવાજી મહારાજ માર્ગ સહિતના ઘણા રસ્તાઓ સામાન્ય વાહનો માટે બંધ રહેશે, માત્ર ઈમરજન્સી વાહનોને જ મંજૂરી આપવામાં આવશે.

