ભોપાલ / કાનપુર, તા. 22 : દેશમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના એક પછી એક બનાવ સામે આવતાં ચિંતા છવાઈ છે. વધુ એક બનાવમાં યુપીના કાનપુરમાં રેલવે પાટા ઉપર ગેસનો બાટલો મળી આવ્યો હતો તો મધ્યપ્રદેશમાં બુરહાનપુર જિલ્લામાં પસાર થઈ રહેલી અને કાશ્મીરથી કર્ણાટક જઈ રહેલી સૈન્યની વિશેષ ટ્રેન સામે વિસ્ફોટ થયો હતો. પાટા ઉપરથી દસેક ડેટોનેટર મળી આવતાં આતંકવાદી કૃત્ય છે કે કેમ ? તેની તપાસ કરાઈ રહી છે ટ્રેનમાં સેનાના ઉચ્ચ અધિકારીઓ, જવાનો સવાર હતા.

છેલ્લા પ7 દિવસમાં ટ્રેન ઉથલાવવાના ર3 પ્રયાસ થયા છે. આવા બનાવોની હારમાળા આતંકવાદી કૃત્ય હોવાની આશંકા છે. સુરક્ષા એજન્સીઓ અને એટીએસએ તપાસમાં ઝંપલાવ્યું છે. બનાવની ગંભીરતા પારખી કેન્દ્ર સરકાર સક્રિય બની છે અને રેલવે કાયદામાં બદલાવનો સંકેત આપ્યો છે. કાયદામાં સુધાર બાદ આવું કૃત્ય કરનારાઓ પર દેશદ્રોહનો ખટલો ચલાવવામાં આવશે. વર્તમાન રેલવે એકટમાં વધુમાં વધુ 10 વર્ષ અને દંડની જોગવાઈ છે જેમાં સુધારો કરીને પેટા કલમના ઉમેરાથી તેને દેશદ્રોહની શ્રેણીમાં લાવવામાં આવશે જેથી ઉંમર કેદ અને મૃત્યુ દંડ સુધીની સજા કરી શકાશે. કાયદામાં સુધાર અંગે ગતિવિધિ શરુ કરવામાં આવી છે.
ઉપરાંત રિયલ ટાઈમ મોનિટરિંગ માટે સંવેદનશીલ સ્થળો અને રેલવે એન્જીનોમાં કેમેરા લગાવવામાં આવશે. કાનપુરના પ્રેમપુર સ્ટેશન પાસે ટ્રેક ઉપર લાલ રંગનો પ કિલોનું ગેસ સિલિન્ડર મળી આવ્યું હતું. લોકો પાયલોટે રવિવારે સવારે 6 વાગ્યા આસપાસ ઈમરજન્સી બ્રેક લગાવીને માલગાડીને 10 ફૂટ રોકી દેતાં દુર્ઘટના ટળી હતી. સુરતમાં રેલવે ટ્રેકને નુકસાન કરીને ટ્રેન ઉથલાવવાના પ્રયાસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે.
આ પહેલા 18મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના નેપાનગરમાં દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક ઉપરથી ડેટોનેટર મળી આવ્યા હતા. આર્મી અધિકારીઓ આ ટ્રેનમાં સવાર હતા. સમયસૂચકતા દાખવી ટ્રેન રોકી દેવામાં આવી હતી. કાનપુરમાં ટ્રેન ઉથલાવવાનો 14 દિવસમાં બે વાર પ્રયાસ થયો છે. યુપીમાં 38 દિવસમાં આવા પાંચ પ્રયાસ થયા છે. 8 સપ્ટેમ્બરે ભરેલું ગેસ સિલિન્ડર રાખીને કાલિંદી એકસપ્રેસ ઉથલાવવા પ્રયાસ થયો હતો.

