નવી દિલ્હી, તા. 12 : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારના ત્રીજા કાર્યકાળના આરંભથી જ વિપક્ષ બંધારણ ઉપર જોખમ મુદ્દે આક્રમકતા બતાવી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે મોટા નિર્ણયમાં હવે 2પમી જૂનને બંધારણ હત્યા દિવસ ઘોષિત કરી દીધો છે. કેન્દ્ર સરકારે એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી નાખ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 2પ જૂન 197પના દિવસે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી અને હવે ભારત સરકાર દર વર્ષે 2પ જૂનને બંધારણ હત્યા દિન તરીકે મનાવવાનો નિર્ણય કરે છે.

આ દિવસ એ તમામ લોકોનાં વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેમણે 197પમાં કટોકટીના અમાનવીય અત્યાચારો સહન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે જાણકારી આપતી પોસ્ટ એક્સ ઉપર ટ્વીટ કરી હતી. કેન્દ્રના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, `સંવિધાન હત્યા દિવસ’ મનાવવાના નિર્ણયથી બંધારણને ગળેટૂંપો દેવાયો એ દિવસો યાદ રહેશે. બીજીતરફ કોંગ્રેસ નેતા જયારામ રમેશે જણાવ્યું હતું કે, બિનજૈવિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઢોંગ સાથેની હેડલાઇન આપી રહ્યા છે.
હકીકતમાં ભારતના લોકો 4 જૂન 2024 મોદીમુક્તિ દિવસ તરીકે મનાવશે. ભાજપ ચૂંટણી બોન્ડ લાવ્યો ત્યારે બંધારણની હત્યા થઇ હતી. અમિત શાહે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 2પ જૂન 197પનાં તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતાને દર્શાવતા દેશમાં કટોકટી લાદીને ભારતીય લોકતંત્રની આત્માનું ગળું ઘોંટી દીધું હતું. લાખો લોકોને અકારણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવાયો હતો.
હવે ભારત સરકારે આ દિવસને બંધારણ હત્યા દિન તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આ નિર્ણયનો ઉદ્દેશ એ લાખો લોકોનાં સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેમણે આપખુદ સરકારની અસંખ્ય યાતનાઓ અને ઉત્પીડનનો સામનો કરવા છતાં લોકતંત્રને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કર્યો હતો. સંવિધાન હત્યા દિવસ પ્રત્યેક ભારતીયની અંદર લોકતંત્રની રક્ષા અને વ્યક્તિગત સ્વતંત્રતાની અમરજ્યોતિને પ્રજ્વલિત રાખવાનું કામ કરશે, જેથી કોંગ્રેસ જેવી કોઈપણ તાનાશાહી માનસિકતા ભવિષ્યમાં પણ આનું પુનરાવર્તન ન કરી શકે. કેન્દ્ર સરકારના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, 2પ જૂન 197પ બાદ તે વખતની સરકાર દ્વારા સત્તાનો ઘોર દુરુપયોગ કરવામાં આવ્યો અને ભારતનાં લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા. ભારતીય લોકોને બંધારણ અને લોકતંત્રમાં દૃઢ વિશ્વાસ છે. ભારત સરકારે કટોકટીની અવધિ દરમ્યાન સત્તાનાં દુરુપયોગ સામે સંઘર્ષ કરનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2પ જૂનને સંવિધાન હત્યા દિવસ જાહેર કર્યો છે.

